અમદાવાદના AMCમાં વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાને બદલે કરોડોના કામો અપાયા હોવાનો કોંગ્રેસ આરોપ લગાવ્યો છે. તેમાં AMCમાં ભ્રષ્ટાચાર તથા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા સોમવારે કોંગ્રેસની રેલી છે. ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા હોવાનો વિપક્ષી નેતાનો આક્ષેપ છે. તથા ભ્રષ્ટાચાર થયો હોવાનો અને કસૂરવારોને છાવરવામાં આવતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
AMCમાં ભાજપના શાસનમાં ફાલેલા ભ્રષ્ટાચાર પ્રત્યે તંત્રનું ધ્યાન દોરાશે
AMC દ્વારા તૈયાર કરવામાં આવેલા હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાના મટીરીયલ્સ, કોંક્રીટને કારણે વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનો અને કસૂરવારોને છાવરવામાં આવતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. AMCમાં ભાજપના શાસનમાં ફાલેલા ભ્રષ્ટાચાર પ્રત્યે તંત્રનું ધ્યાન દોરવા, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા કોંગ્રેસ દ્વારા તા. 20 માર્ચ, 2023ના રોજ સોમવારે બપોરે 4 કલાકે જન આક્રોશ રેલીનું આયોજન કરાયું છે અને AMCમાં વ્યાપક ભ્રષ્ટાચાર મુદ્દે મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવશે. નબળી ગુણવત્તાની કામગીરીને કારણે બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે અને આ બ્રિજમાં વપરાયેલા મટિરિયલ્સના સેમ્પલનો રિપોર્ટ પણ આવી ગયો હોવા છતાં તેને દબાવી રાખવામાં આવી રહ્યો હોવાનું અને શાસક પક્ષના મળતિયા કોન્ટ્રાક્ટર અને ભ્રષ્ટ અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
AMCની નબળી આર્થિક સ્થિતિ માટે ભ્રષ્ટાચારીઓ જવાબદાર
વિપક્ષી નેતા શેહજાદખાન પઠાણે જણાવ્યું છે કે, હાટકેશ્વર બ્રિજ, કાંકરિયા પરિસરમાં જલધારા વોટરપાર્ક, વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરોનો ભૂતકાળ વિવાદિત હોવા છતાં મળતિયા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાને બદલે તેમને કરોડોના નવા કોન્ટ્રાક્ટ આપવા, AMCની નબળી આર્થિક સ્થિતિ, AMCમાં રોડ- રસ્તાના કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામોમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. AMCની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે નવા પ્રોજેક્ટ હાથ ધરી શકાતા નથી, મ્યુનિ. કમિશનરને બજેટમાં કાપ મૂકવો પડે છે, વિકાસના કામો માટે દેવું કરવું પડે છે.