અમદાવાદીઓને લાગ્યો લક્ઝયુરિયસ કારનો શોખ, દિલ્હી-ચંડીગઢની સેકન્ડ હેન્ડ ગાડીઓ સસ્તામાં ખરીદાઇ
- ઓડી, BMW, જેગુઆર જેવી 200થી વધુ કાર આરટીઓમાં ટ્રાન્સફર થઇ
- 15 લાખથી લઈ એક કરોડની કિંમતની કાર રૂપિયા 3 લાખથી 20 લાખમાં મળે છે
- સ્થાનિક આરટીઓમાંથી NOC લઇને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કાર વેચી દેવાય છે
અમદાવાદીઓને લક્ઝયુરિયસ કારનો શોખ લાગ્યો છે. જેમાં દિલ્હી-ચંડીગઢની સેકન્ડ હેન્ડ ગાડીઓ સસ્તામાં ખરીદાઇ રહી છે. ત્યારે રૂપિયા 15 લાખથી લઈ એક કરોડની કિંમતની કાર રૂપિયા 3 લાખથી 20 લાખ સુધીમાં મળે છે. પ્રદૂષણ રોકવા મામલે દિલ્હી-ચંડીગઢની સરખામણીએ ગુજરાતમાં ગંભીરતા ઓછી છે. તેથી માત્ર અમદાવાદમાં વર્ષે ઓડી, BMW, જેગુઆર જેવી 200થી વધુ કાર આરટીઓમાં ટ્રાન્સફર માટે આવે છે.
આ પણ વાંચો: ગુજરાત: RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોમાં પ્રવેશ માટે બીજો રાઉન્ડ શરૂ
પ્રદૂષણને લઇને અન્ય રાજ્યમાં નિયમનો કડકપણે અમલ કરાય છે
પ્રદૂષણને લઇને અન્ય રાજ્યમાં નિયમનો કડકપણે અમલ કરાય છે.જ્યારે ગુજરાતમાં પ્રદૂષણ રોકવા મામલે ઓછી ગંભીરતા જોવા મળી રહી છે. જેના લીધે દિલ્હી અને ચંડીગઢમાં ડીઝલ કારના 10 વર્ષના રજિસ્ટ્રેશન બાદ કાર ચલાવવા માટે ફિટનેસ સર્ટિફિકેટ અપાતું નથી. ગુજરાતમાં 15 વર્ષ પછી ક્રમશઃ પાંચ વર્ષનું ફિટનેસ સર્ટિફિકેટ અપાય છે. એટલે જ દિલ્હી અને ચંડીગઢમાં કારની કિંમત કોડીની થઇ જાય તે પહેલાં સ્થાનિક આરટીઓમાંથી NOC લઇને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કાર વેચી દેવાય છે. રજિસ્ટ્રેશનની મર્યાદા પુરી થતા દિલ્હી અને ચંઢીગઢથી સાત હજારથી વધુ સેકન્ડ હેન્ડ લક્ઝુરિયસ ડીઝલ કાર ગુજરાતમાં ઠલવાય છે. આમ 15 લાખથી લઇ એક કરોડથી વધુ કિંમતની કાર માત્ર 3 લાખથી લઇ 20 લાખ સુધીમાં મળતી હોવાથી ગુજરાતીઓ રસ દાખવીને ફાયદો ઉઠાવે છે.
ગુજરાતમાં નવી કારની ખરીદી બાદ આરટીઓમાં 15 વર્ષનું રજિસ્ટ્રેશન થાય છે
ગુજરાતમાં નવી કારની ખરીદી બાદ આરટીઓમાં 15 વર્ષનું રજિસ્ટ્રેશન થાય છે. ત્યારબાદ આરટીઓમાં કારની ચકાસણી કરીને પાંચ વર્ષનું ફિટનેસ સર્ટિફિકેટ અપાય છે. જેના લીધે અન્ય રાજ્યમાંથી કાર ખરીદનારને કોઇ વાંધો આવતો નથી. વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ચારથી પાંચ વર્ષ અગાઉ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં વર્ષે 300થી 400 કાર ટ્રાન્સફર માટે આવતી હતી, પરંતુ હવે અન્ય રાજ્યમાં વધતાં પ્રદૂષણની ચિંતા કરીને નિયમ બદલાતાં માત્ર અમદાવાદમાં વર્ષે ઓડી, BMW, જેગુઆર સહિતની 200થી વધુ કાર આરટીઓમાં ટ્રાન્સફર માટે આવે છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ચારથી પાંચ હજાર અન્ય રાજ્યની કાર ટ્રાન્સફર થઇ ગયાનું અનુમાન છે.