અમદાવાદ: યુવાનને ગે એપથી મિત્રતા કરવી ભારે પડી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- ત્રણેય શખ્સોએ મારમારીને ઓનલાઇન 16 હજાર પડાવ્યા
- સ્વપ્નિલ દેસાઇ, આર્યન દેસાઇ અને આયુષ રબારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
- યુવકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
અમદાવાદ શહેરમાં યુવાનને ગે એપથી મિત્રતા કરવી ભારે પડી છે. જેમાં થલતેજમાં ચાર દિવસમાં ગે એપથી ત્રણ શખ્સોએ બે યુવકનું અપહરણ કર્યું હતુ. થલતેજમાં બાગબાન પાર્ટી પ્લોટ પાસે ગ્રીન્ડર ગે એપનો ઉપયોગ કરીને ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કરીને 40 હજાર ઓનલાઇન પડાવ્યાની ઘટનાને લઇને પોલીસે ત્રણેયની ધરપકડ કર્યાનું સામે આવ્યુ હતુ.
આ પણ વાંચો: અમદાવાદ: વેપારીને પાડોશી મહિલા સાથેનો પ્રેમ રૂ.1.50 કરોડમાં પડ્યો
ત્રણેય શખ્સોએ મારમારીને ઓનલાઇન 16 હજાર પડાવ્યા
આવી જ રીતે બોપલના એક યુવકને ગ્રીન્ડર એપથી આ જ સ્થળે બોલાવીને ગાડીમાં બેસાડીને પકડાયેલા ત્રણેય શખ્સોએ મારમારીને ઓનલાઇન 16 હજાર પડાવ્યા હતા. આ અંગે યુવકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આવી રીતે અન્ય યુવકોને પણ પિડીત બન્યા છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બોપલમાં 21 વર્ષીય નિકુલ (નામ બદલેલ છે) સાણંદ જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે ગત, 5 સપ્ટેમ્બરે ગ્રીન્ડર-ગે ડેટીંગ અને ચેટ એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. એપ્લીકેશન મારફતે નિકુલ અન્ય ગે યુવકો એકબીજાને અલગ અલગ જગ્યાએ મળતા હતા. આવી જ રીતે ગત, 8 સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યે નિકુલ તેના સંબંધીને થલતેજ ખાતે મૂકવા ગયો હતો.
સ્વપ્નિલ દેસાઇ, આર્યન દેસાઇ અને આયુષ રબારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
આ દરમ્યાન ગે એપ પર અજાણ્યા શખ્સે મેસેજ કરીન બાગબાન પાર્ટી પ્લોટ પાસે એક કાફે પાસે મળવા બોલાવ્યો હતો. નિકુલ ત્યાં પહોચતાની સાથે જ અન્ય બે શખ્સોએ તેને ગાડીમાં બેસાડીને મારમાર્યો હતો. બાદમા તેને શિલજ સર્કલ તરફ લઇ જઇને મોબાઇલ ઝૂંટવીને તેના ગુગલ પેમાંથી 16 હજાર ટ્રાન્સફર આયુષ રબારીના ખાતામાં કરી દિધા હતા. બીજી તરફ, વધુ પૈસા મિત્ર પાસે મંગાવવા દબાણ કરીને નિકુલને ત્રણેય શખ્સોએ મારમાર્યો હતો. જો કે, નિકુલે જીવ બચાવવા માટે તેના મિત્રોને ફોન કરીને પૈસા માંગ્યા પરંતુ તેમની પાસે ન હોવાથી તેઓએ આપ્યા ન હતા. અંતે ત્રણેય શખ્સોએ નિકુલને બાગબાન પાર્ટી પ્લોટ પાસે ઉતારીને નાસી ગયા હતા. બે દિવસ પહેલા આ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાયાની જાણ નિકુલને થતાં તેણે પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સ્વપ્નિલ દેસાઇ, આર્યન દેસાઇ અને આયુષ રબારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.