અમદાવાદ: સોલા બ્રિજ પર કારે ટુ-વ્હીલરને ટક્કર મારતા મહિલાનું મૃત્યુ થયુ
- શહેરના પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા
- પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી
- કાજલબેને એસજી-1 ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવી
અમદાવાદના સોલા બ્રિજ પર કારે ટુ-વ્હીલરને ટક્કર મારતા મહિલાનું મૃત્યુ થયુ છે. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. તેમજ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. સોલા બ્રિજ પર કારચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા એક મહિલાનું મોત થયું હતું અને બે વર્ષના બાળક સહિત બે ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ બોપલ સોબો સેન્ટર પાસે રોડ ક્રોસ કરી રહેલ યુવકને કારચાલકે અડફેટે લેતા મોત થયું હતું.
કાજલબેને એસજી-1 ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવી
વેજલપુરની ઇશ્વર અમીકૃપા સોસાયટીમાં રહેતા અને બાળકોને વેક્સિન આપવાનું કામ કરતા કાજલબેન રાવલ બે વર્ષના પુત્ર માલવરાજ તથા માતા જયશ્રીબેન સાથે ગોતામાં કામ અર્થે ગયા હતા. ત્યાંથી ઇલેકટ્રીક ટુ-વ્હીલર લઇને ત્રણેય વેજલપુર ઘરે જતા હતા. ત્યારે સોલા બ્રિજ પર રામાપીરના મંદિરની સામે પુરઝડપે આવેલી કારે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. જેથી ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા. જેમાં કાજલબેનની માતા જયશ્રીબેનને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ જયશ્રીબેનને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતમાં કાજલબેન અને માલવરાજ ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે કાજલબેને એસજી-1 ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી
બીજા બનાવમાં મુળ ઉત્તરપ્રદેશના 34 વર્ષીય ગોવિંદસીંગ બોપલમાં શાશ્વત બંગ્લોમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. સોબો સેન્ટર પાસે પાનના ગલ્લે તંબાકુ લેવા ગયો હતો. ત્યાંથી રોડ ક્રોસ કરીને પરત જતો હતો ત્યારે અજાણ્યા કારચાલકે તેને ટક્કર મારતા તે હવામાં ફ્ંગોળાઇને રોડ પર પડયો હતો. જેના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા ગોવિંદસિંગને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગોવિંદસીંગનું મોત થયુ હતુ. આ અંગે બોપલ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.