અમદાવાદ, 10 જુલાઈ 2024, શહેરમાં પોલીસ ગેરકાયદે હથિયારોની હેરાફેરી અટકાવવા માટે રથયાત્રા પહેલા સક્રિય થઈ ગઈ હતી. ત્યારે શહેરમાં હજી પણ નાની નાની બાબતોમાં ફાયરિંગ થયાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં પુત્રએ પિતાના મિત્રને જાનથી મારી નાંખવાના ઈરાદે બંદૂકથી ફાયરીંગ કર્યું હતું.સદનસીબે ટ્રીગર દબાવ્યા બાદ ફાયર નહીં થતાં ફરિયાદી યુવક જીવ બચાવીને ભાગી ગયો હતો. આ બાબતની ફરિયાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મારા પિતાને મારા વિશે કેમ ચડામણી કરે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે જમીન દલાલીનો ધંધો કરતા મોહમદ આતિક મુળ બનાસકાંઠાના પાલનપુરના વતની છે અને અમદાવાદના શાહપુરમાં રહે છે. તેમણે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે ગજુલખાન યાશીનખાન પઠાન સાથે ઘણા સમયથી મિત્રતા છે. જેથી તેમના દિકરા શાહજમાનને તેમના પિતા સાથે બનતુ નહીં હોવાથી તેને એવુ છે કે હુ તેમના પિતાને ચડામણી કરૂ છું. ગઈકાલે રાત્રે હુ વિમલ ઓટો એસેસરીઝ નામની દુકાન આગળ બેઠો હતો તે વખતે શાહજમાન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, મારા પિતાને મારા વિશે કેમ ચડામણી કરે છે.
પોલીસે ફરિયાદ નોંધીને વઘુ તપાસ હાથ ધરી
તારી ચડામણીથી મારા પિતા મને મિલકતમાં ભાગ આપતા નથી. જેથી મેં તેને કહ્યું હતું કે, હુ તારા પિતાને તારા વિશે ચડામણી કરતો નથી કે તારી સામે જોતો પણ નથી તેમ કહેતા તે એકદમ ગુસ્સામા આવ્યો હતો અને બંદુક કાઢીને મને જાનથી મારી નાખવાના ઇરાદે મારા ઉપર બંદુકથી નિશાન તાકીને ટ્રીગર દબાવ્યું હતું પણ બંદુકમાથી ફાયરીંગ થયું નહોતુ. જેથી હુ ગભરાઈ ગયેલ હતો અને ત્યાથી મટન માર્કેટ તરફના રોડ પર ભાગી ગયો હતો. શાહજમાન તેનું વાહન લઈને મારી પાછળ પાછળ આવ્યો હતો. હું એક પાનના ગલ્લાની પાછળ સંતાઈ જતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધીને વઘુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં પ્રોફેસરે સુઈ ગયેલી માતાને છરીથી રહેંસી નાંખી, પોતે ગળેફાંસો ખાધો