અમદાવાદ, 12 સપ્ટેમ્બર 2024, શહેરમાં 16 અને 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો પ્રવાસ અને બે મોટા તહેવારો હોવાથી શહેર પોલીસને ખાસ બંદોબસ્તમાં ગોઠવી દેવાશે. જેમાં શહેરના કુલ 12 હજાર પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. આ વખતે SRP અને બીજી ફોર્સ અન્ય રાજ્યમાં ચૂંટણી હોવાથી બહાર ગઈ છે.ત્યારે અમદાવાદ શહેરની તમામ પોલીસને આ મહત્ત્વના દિવસોમાં બંદોબસ્તમાં રોકવામાં આવી છે.સિનિયર અધિકારીઓની માગ અમદાવાદ પોલીસ તરફથી કરવામાં આવી હતી. જેમાં ચાર DCP અને ચાર ASPને અમદાવાદ માટે ફાળવવામાં આવ્યા છે.
અન્ય જગ્યાની પોલીસ પણ ફાળવવામાં આવશે
આ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાની વિગત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો GMDC ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓ સાથેનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અંદાજે અઢી હજાર જેટલા પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જ દિવસે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ ઈદ-એ-મિલાદના જુલુસ નીકળવાના છે. આ જુલુસ દરમિયાન પણ ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. શહેરમાં ઝોન 2, ઝોન 3, ઝોન 5 અને 6માં સ્થાનિક પોલીસની સાથે અન્ય જગ્યાની પોલીસ પણ ફાળવવામાં આવશે.
12 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે
અધિકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે શહેરમાં અંદાજે 12 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે અને આ બે દિવસ તમામ પોલીસ શહેરમાં ખાસ બંદોબસ્તમાં હાજર રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે મીડિયાને જણાવ્યું હતું કે, આ મામલે અમે તૈયારીઓ કરી લીધી છે અને કેટલોક વધારાનો સ્ટાફ માગવામાં આવ્યો છે જે અમને મળી ગયો છે. ચાર ડીસીપી અને ચાર એએસપી કક્ષાના અધિકારીઓ આ બે દિવસ અમદાવાદ શહેર પોલીસ સાથે કામ કરશે. બીજી તરફ SRP અને અન્ય ફોર્સ હાલ અન્ય રાજ્યમાં છે અને રાજ્યમાં બીજી જગ્યાએ પણ તહેવારો હોવાથી અમદાવાદ પોલીસનો સૌથી વધુ ઉપયોગ કઈ રીતે થાય તેનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ
17મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરમાં ગણેશ વિસર્જન થવાનું છે.આ સમગ્ર વ્યવસ્થાને સિનિયર અધિકારીઓ દ્વારા મોનિટરિંગ અને વ્યવસ્થા સાથે જોડવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થશે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું રૂ. 35 છે અને 33.5 કિ.મીનું અંતર 65 મિનિટમાં પૂરું કરી શકાશે.
આ પણ વાંચોઃહવે ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ