અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ હવે ‘ખાડામુક્ત’ બનશે: વાહનચાલકોને મળશે મોટી રાહત!

  • ૧૫ વર્ષ સુધી ટકે તેવા વ્હાઇટ ટોપિંગ રોડથી વાહનચાલકોને શાંતિ મળશે
  • બોડકદેવમાં બે સહિત કુલ ૧૧ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવાશે
  • 400 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનો પ્રોજેક્ટ

અમદાવાદઃ શહેરીજનો માટે હાલના ડામરના રોડ ખાસ કરીને ચોમાસાની વરસાદની ઋતુમાં ભારે તકલીફદાયક બને છે. ડામર અને પાણી વચ્ચે વેરના કારણે વરસાદી માહોલમાં રોડ તૂટી જાય છે. અનેક રોડ પર રકાબી આકારના ખાડા પડવાથી તેના પર વાહન ચલાવવું ચાલકો માટે પડકારરૂપ બને છે. આવા બિસમાર રોડ છાશવારે અકસ્માતો સર્જે છે તેમજ વાહનચાલકોનાં હાડકાં-પાસળાં એક કરે છે. આ બધી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે ભાજપના સત્તાધીશોએ શહેરના 48 વોર્ડમાં વોર્ડદીઠ બે મુજબ કુલ રૂ. 400 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

સફેદ રોડ અમદાવાદીઓને આકર્ષશે

અમદાવાદમાં હવે કાળા રોડના બદલે સફેદ રોડ લોકોને આકર્ષિત કરશે. આ પ્રોજેક્ટ હેઠળ ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ જેવા પોશ વિસ્તારમાં અતિથિ ચાર રસ્તાથી સેન્ચૂરી ટાવર ત્રણ રસ્તા સુધીનો 15 મીટર પહોળો અને 525 મીટર લાંબો રોડ અને મહિલા લેક ત્રણ રસ્તાથી ઈસ્કોન મંદિર પાછળ થઈ બીઆરટીએસ સુધીનો કુલ 485 મીટર લાંબો અને 18 મીટર પહોળો રોડ આગામી દિવસોમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનવા જઈ રહ્યો છે. આશરે કુલ 1010 મીટર લંબાઈના આ બંને રોડ સફેદ રોડમાં પરિવર્તિત થશે.

અમદાવાદ હવે 'ખાડામુક્ત' બનશે: વાહનચાલકોને મળશે મોટી રાહત! hum dekhenge news

બોડકદેવ વોર્ડના સિનિયર કોર્પોરેટર અને મ્યુનિ. કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન દેવાંગ દાણી શહેરમાં બનનારા વ્હાઇટ ટોપિંગ રોડ અંગે વધુ માહિતી આપતાં કહે છે, નાગરિકોને વ્હાઇટ ટોપિંગ રોડ વધુ ટકાઉ હોઈ વર્ષો સુધી સારી સુવિધા પૂરી પાડશે. આવા રોડ પર ખાડા નહીં પડે તેમજ વરસાદી પાણી પણ નહીં ભરાય, કેમ કે બંને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે સ્લોપ અપાશે. બિટ્યૂમિન રોડ પર પોર્ટલેન્ડ સિમેન્ટ કોંક્રીટ (પીસીસી)નું લેયર લગાવવાથી આ રોડ 15 વર્ષ સુધી ટકાઉ બનશે. વાહનચાલકોને રાતના પણ આ રોડ સફેદ રંગને કારણે ઓળખાઈ જશે તેમજ રોડનાં બ્રેકિંગનું અંતર ઓછું હોઈ વાહનચાલકોને વાહન ચલાવવામાં રોડ આનંદદાયી બનશે.

ડામર રોડ કરતા વધુ ખર્ચ આવશે

ડામરના રોડને બનાવવા માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 1450નો ખર્ચ થાય છે. તેની સામે વ્હાઇટ ટોપિંગ રોડ થોડો મોંઘો પડતો હોઈ રૂ. 1600નો ખર્ચ થાય છે તેમ જણાવતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી વધુમાં કહે છે, વ્હાઇટ ટોપિંગ રોડ પર પાણી ઝડપથી સુકાઈ જાય છે. ઉનાળાની ગરમીમાં તે પીગળતા નથી. ગરમ ન થવાના કારણે તે ઠંડક આપે છે તેમજ વાહનોને સરકતાં અટકાવે છે. ખાસ તો તેને રિસાઇકલ કરી શકાય છે.

બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા જેવા વોર્ડનો સમાવેશ ધરાવતા ઉત્તર પશ્ચિમ ઝોનમાં કુલ 11 રોડ વ્હાઇટ ટોપિંગ ટેકનિકથી બનાવાશે, જેમાં ચાંદલોડિયામાં ચેનપુર ફાટકથી ગોદરેજ ગાર્ડનસિટી ચાર રસ્તા, ગાયત્રી ગરનાળાથી ચાંદલોડિયા લેક, ચાંદલોડિયા બ્રિજનો બંને બાજુનો સર્વિસ રોડ, ઘાટલોડિયામાં ભૂયંગદેવ ચાર રસ્તાથી સન એન સ્ટેપ ક્લબ સુધીનો રોડ, વાસુકાનંદ ફ્લેટથી રન્નાપાર્ક સુધીનો રોડ, ગોતાના એડીબી ટાંકીથી સોલા તળાવ, અનુષ્ઠાન બંગલોથી માનવ રેસિડેન્સી સુધીનો રેલવે પેરેલલ સર્વિસ રોડ, થલતેજમાં સ્વીટ કોર્નરથી કેનેરા બેન્ક સુધીનો રોડ અને કોઝી કોર્નર સોમેશ્વર પાર્કથી ન્યૂ નિકિતા સર્કલ સુધીનો રોડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ પતિ અન્ય મહિલા સાથે રહે તે ક્રુરતા નહીંઃ દિલ્હી હાઇકોર્ટે કેમ આપ્યો આ ચુકાદો?

Back to top button