ગુજરાતચૂંટણી 2022સ્પોર્ટસ

અમદાવાદ શહેર વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સીટી તરીકે ઉભરી આવશે : અમિત શાહ

અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા, એકાઅરેના ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની ૧૧મી કડીના સમાપન અને ૩૬મી નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરના રંગારંગ સમારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આરંભેલા રમતગમત ક્ષેત્રના વિકાસની સુવાસના પરિણામે જ દસ વર્ષ પહેલાં ખેલમહાકુંભમાં ૧૧ લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન આજે ૫૫ લાખે પહોંચ્યું છે. તેમણે અમદાવાદમાં આકાર પામેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો સંદર્ભ આપતા જણાવ્યું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે અમદાવાદ શહેરમાં અન્ય સ્પોર્ટસ ફેસીલીટીના નિર્માણ બાદ અમદાવાદ વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરી આવશે.

નેશનલ ગેમ્સના આયોજનની સાથે ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે નવા કિર્તીમાન સ્થાપિત કરશે

ગુજરાતના ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને પ્રદર્શનથી દેશ અને દુનિયાના નકશા પર અમિટ છાપ છોડી હોવાનું તેમણે જણાવ્યું હતું. નેશનલ ગેમ્સના આયોજનની સાથે ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે નવા કિર્તીમાન સ્થાપિત કરશે તેવો મત અમિત શાહએ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીતાના પરિણામે આજે ગુજરાતમાં સ્પોર્ટ્સની આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બની છે જેના પરિણામે જ આજે ગુજરાતમા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થઈ રહ્યાં છે. વડાપ્રધાન ભારતને વિશ્વ ફલક પર સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ પ્રસ્થાપિત કરવા ફીટ ઇન્ડિયા, ખેલો ઈન્ડિયા, રાષ્ટ્રીય રમતોને પ્રોત્સાહન આપવા વર્ષ ૨૦૧૪ ના રમત ગમતના ૮૬૬ કરોડના બજેટને આજે ૨૦૦૦ કરોડના રકમની ફાળવણી કરીને રમતગમતને પ્રોત્સાહન આપ્યું છે.

૨૦૧૪ પહેલા ઓલમ્પિકમાં 2 સુવર્ણ પદક જીતતા ખેલાડીઓની સંખ્યા આજે 7 થઈ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા ઓલમ્પિકમાં ૨ સુવર્ણ પદક જીતતા ખેલાડીઓની સંખ્યા આજે ૭, જ્યારે પેરાઓલ્મિપિકમાં ૪ થી ૧૯ અને એશિયન ગેમ્સમાં ૮૦ સુવર્ણ પદકે પહોંચી છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે ૨૦ વર્ષમાં આર્થિક, ઔઘોગિક ક્ષેત્રમાં સર્વાંગીણ વિકાસ સાથે ૨૪ કલાક વીજળી, શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટી જેવા વિકાસના દરેક ક્ષેત્રોમાં હરણફાળ ભરીને દેશમાં પરિવર્તનનું સારથી બન્યું હોવાનું ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું.

ગુજરાતીઓમાં આજે સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે તેનો શ્રેય આપણા વડાપ્રધાનને જાય છે

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ખેલ મહાકુંભ શૃંખલાની ૧૧મી કડીના સમાપનની સાથે આજે ૩૬મી નેશનલ ગેમ્સનું કર્ટન રેઇઝર અને એપ લોન્ચિંગ એ રાજ્યથી રાષ્ટ્રીય કક્ષાની ખેલ યાત્રા સમાન પ્રસંગ છે. એક સમયે ગુજરાતીઓ માત્ર દાળ-ભાત ખાનારા કે વેપાર-બિઝનેસમાં જ રસ ધરાવે છે, એવી છાપ હતી, એ ગુજરાતીઓમાં આજે સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે તેનો શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ખેલ મહાકુંભ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. વર્ષ ૨૦૧૦માં શરૂ કરાયેલા ખેલ મહાકુંભના પગલે ગુજરાતમાં એક આખી સ્પોર્ટિંગ કમ્યૂનિટી તૈયાર થઈ છે. ગુજરાતના યુવા ખેલાડીઓ હવે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષા ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું કૌશલ્ય પુરવાર કરવા લાગ્યા છે.

ખેલમહાકુંભના વિજેતાઓને આજે રૂપિયા 30 કરોડ જેટલી માતબર રકમના ઇનામો એનાયત

આ વર્ષે ૧૧મી કડીમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા કક્ષાએથી કુલ ૫૫ લાખ જેટલા રમતવીરોની રેકોર્ડબ્રેક સંખ્યામાં નોંધણી થઈ હતી. આ ખેલમહાકુંભના વિજેતાઓને આજે રૂપિયા 30 કરોડ જેટલી માતબર રકમના ઇનામો એનાયત થયાં છે. મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભની સફળતાને બિરદાવતા કહ્યું હતું કે આ ખેલ મહાકુંભમાંથી જ આગળ આવેલા ગુજરાતના પ્રતિભાવાન પેરા એથ્લીટ્સને આજે રૂપિયા દોઢ કરોડની રકમના ખેલ પ્રતિભા પુરસ્કાર અપાયા છે.

ગુજરાતે નવી સ્પોર્ટસ પોલિસી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીથી એક આખી સ્પોર્ટ ઇકોસિસ્ટમ ઊભી કરી

ગુજરાતના ખેલ-કૂદ પ્રત્યેના સ્પર્ધાત્મક અભિગમને કારણે દેશ અને દુનિયા ગુજરાતને ભારતના ભાવિ સ્પોર્ટિંગ હબ તરીકે જોવા લાગી છે. વિશ્વની આ અપેક્ષા ને મૂર્તિમંત કરવા વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદમાં આકાર પામી રહ્યું છે. ગુજરાતે નવી સ્પોર્ટસ પોલિસી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીથી એક આખી સ્પોર્ટ ઇકોસિસ્ટમ ઊભી કરી હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ૨૦ હજાર રમતવીરોના આવકાર- આગતા-સ્વાગતા કરવા ગુજરાત ઉત્સુક છે. ખેલકૂદ ક્ષેત્ર- મહત્વનુ પરિબળ હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ કહ્યું કે સામાન્ય રીતે નેશનલ ગેમ્સની પૂર્વતૈયારીમાં ૨ થી ૩ વર્ષનો સમય લાગી જતો હોય છે. પરંતુ, ગુજરાતે માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં આ ૩૬મી નેશનલ ગેમ્સના આયોજનની તમામ તૈયારીઓ કરી લીધી છે, એ પણ એક મોટી સિદ્ધિ છે. દેશભરના રમતવીરો ખેલ-કૂદની સાથે-સાથે ગુજરાતનાં ૬ મહાનગરોની રહેણી-કરણી, ખાન-પાન અને ભાતિગળ ગરબા-રાસની સંસ્કૃતિનો પણ પરિચય મેળવશે એમ તેમણે ઉમેર્યું હતું.

ખેલ મહાકુંભમાં ૫૫ લાખ યુવાનોએ નોંધણી કરાવી, એ એક રેકોર્ડ : કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર

આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં ૫૫ લાખ યુવાનોએ નોંધણી કરાવી, એ એક રેકોર્ડ છે, આ સંખ્યા કેટલાંક રાજ્યો અને દેશોની વસ્તી કરતાં વધારે છે. ૨૯ કરોડથી વધારેની ઈનામની રકમ સીધા ખેલાડીઓના ખાતામાં જમા થઈ જાય, એવું દેશમાં પહેલી વાર બની રહ્યું છે. નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં ૩થી ૪ વર્ષ લાગી જતાં હોય એ કામ ગુજરાતે ત્રણ મહિના કરતાં ઓછા સમયમાં કરી બતાવ્યું છે. આવું માત્ર ગુજરાત જ કરી શકે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈના વિઝનને કારણે જ આ શક્ય બની શક્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

૩૬ રમતોની સ્પર્ધાઓ, 20,000થી વધારે રમતવીરો, કોચ તથા રમતગમત ક્ષેત્રના અધિકારીઓ મહેમાન

અત્રે ઉલ્લેખનીય છે કે રમતગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની ૩૬ રમતોની સ્પર્ધાઓ યોજાશે. ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20,000થી વધારે રમતવીરો, કોચ તથા રમતગમત ક્ષેત્રના અધિકારીઓ નેશનલ ગેમ્સ નિમિત્તે ગુજરાતના મહેમાનો બનવાના છે.

Back to top button