અમદાવાદઃ પોલીસે માર મારવાથી પોતાના પતિનું મૃત્યુ થયું હોવાનો પત્નીનો આક્ષેપ
અમદાવાદ 26 મે 2024: ગુજરાતના અમદાવાદનું વેજલપુર પોલીસ સ્ટેશન હાલ સવાલોના ઘેરામાં છે. જુહાપુરાના અજરઉદ્દીનની વેજલપુરનાં 5 પોલીસકર્મી દ્વારા માર મારવામાં આવ્યો તેવા આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ લાંબી સારવાર બાદ અઝરુદ્દીનનું જીવરાજ મહેતા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જો કે આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનનાં પીઆઇનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઘટનાની પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સ્ટેશનની અંદર માર માર્યો: પત્ની
મૃતક યુવાનની પત્નીના જણાવ્યા મુજબ મૃત્યુ પહેલા અઝહરે કહ્યું હતું કે વ્યાસ સાહેબે 4-5 લોકો સાથે મળીને મને વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર માર માર્યો હતો. જેના કારણે મારા માથામાં ખૂબ જ થપ્પડ વાગી હતી અને દુઃખાવો થઈ રહ્યો હતો. સવારે અઝહરને ઉલ્ટી થવા લાગી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યારબાદ 2-3 હોસ્પિટલની મુલાકાત લેવી પડી કારણ કે એસવીપીમાં સારવાર માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી જે અઝહરના પરિવાર માટે શક્ય ન હતી, ત્યારબાદ અઝહરને અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં વેન્ટિલેટર સાથેનો બેડ ખાલી ન હતો. જે બાદ અઝહરને ગંભીર હાલતમાં જીવરાજ મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં બપોરે 3 વાગ્યે અઝહરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મદદની ખાત્રી આપી
આ બનાવની જાણ થતા દરિયાપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, AIMIM કાઉન્સિલર ઝુબેર ખાન અને SDPI કાર્યકર્તાઓ મૃતકના પરિવારને મળ્યા હતા અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે કહ્યું છે કે તમામ આરોપોની પણ તપાસ થવી જોઈએ તે ઉપરાંત પરિવારના સભ્યો પર FIR ન નોંધાવવાનું દબાણ બનાવવામાં આવ્યું છે.
ઘટના અંગેની જાણ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને થતા હાલ પોલીસ વિભાગની એક ટીમ ભોગ બનેલા યુવાનના ઘરે પહોંચી હતી અને અને તપાસ શરુ કરી હતી. જોકે બનાવ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા મૃતકનાં પત્નીને ફરીયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશન આવવા વિંનંતી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સરકારના આદેશ બાદ રાજ્યના તમામ ગેમ ઝોનમાં ચેકિંગ; જાણો અમદાવાદ ક્યાં ક્યાં ચેકિંગ થયું અને શું પરિસ્થિતિ હતી?