ગુજરાત

અમદાવાદ: ઢોરની સમસ્યા અંગે હાઈકોર્ટના ફટકાર પછી કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યો શહેરી વિકાસ વિભાગ

  • અગાઉ ઘડાયેલી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવા માટે કડક સૂચના
  • રોજેરોજની માહિતી ફોટોગ્રાફ સાથે વેબસાઈટ ઉપર અપલોડ કરવી
  • જિલ્લા તંત્રો તથા મ્યુનિસિપલ કોર્પોરેશનોને કડક સૂચના અપાઈ

અમદાવાદમાં હાઈકોર્ટના ફટકાર પછી કુંભકર્ણની નિદ્રામાંથી શહેરી વિકાસ વિભાગ જાગ્યો છે. જેમાં રખડતાં-ઢોરો અંગે નક્કી થયેલી ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા માટે શહેરી તંત્રોને તાકીદ છે. ત્યારે પ્રાદેશિક તથા મ્યુનિ. કમિશનરો, ચીફ ઓફિસરો સાથે ઉચ્ચ કક્ષાની રિવ્યૂ બેઠક યોજાઈ છે. તેમજ રોજેરોજની માહિતી ફોટોગ્રાફ સાથે વેબસાઈટ ઉપર અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, હવામાન વિભાગે કરી આગાહી

અગાઉ ઘડાયેલી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવા માટે કડક સૂચના

રાજ્યમાં અને રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં રખડતાં ઢોરની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારાસન અને અમદાવાદના ટ્રાફિક એડિશનલ પોલીસ કમિશનર નરેન્દ્ર ચૌધરીનો ઉધડો લીધો એ પછી ફોલોઅપમાં શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર રાજકુમાર બેનીવાલને સાથે રાખી તમામ આઠ મ્યુનિસિપલ કમિશનરો, રિજનલ મ્યુનિસિપલ કમિશનરો તેમજ તમામ 157 નગરપાલિકાના ચીફ ઓફિસરો જોડે તાકીદની વીડિયો કોન્ફરન્સ યોજી બધાને રખડતાં ઢોરોના નિયંત્રણ માટે અગાઉ ઘડાયેલી ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવા માટે કડક સૂચના આપી હતી.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઇ રાજકીય ગરમાવો, રાજભવનમાં મિટિંગો શરૂ 

રોજેરોજની માહિતી ફોટોગ્રાફ સાથે વેબસાઈટ ઉપર અપલોડ કરવી

રખડતાં ઢોરને પકડી તેને ડબ્બામાં પૂરવા, તેના માલિકને અવારનવારના ગુના માટે નક્કી થયેલી રકમ પ્રમાણે દંડવા, ઢોરને ટેગિંગ કરવા વગેરે માટે અગાઉ ગાઈડલાઈન ઘડાયેલી છે, તેનો ગંભીરતાથી અમલ કરવા તેમજ રોજેરોજની માહિતી ફોટોગ્રાફ સાથે વેબસાઈટ ઉપર અપલોડ કરવા તથા આ તમામ કાર્યવાહીનું મોનિટરિંગ કરવા બેઠકમાં સૂચના અપાઈ હતી.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં મુંબઇ કરતા મોંઘુ પાણી પી રહ્યાં છે રહીશો

જિલ્લા તંત્રો તથા મ્યુનિસિપલ કોર્પોરેશનોને કડક સૂચના અપાઈ

આ અંગે તમામ મ્યુનિસિપલ કમિશનરો, તમામ ચીફ ઓફિસરો, તમામ જિલ્લા કલેક્ટરો તથા જિલ્લા પોલીસ વડાઓને પત્ર દ્વારા પણ જાણ કરવામાં આવી છે. હાઈકોર્ટની તા. 27મી ઓક્ટોબરે યોજાયેલી સુનાવણી બાદ સમગ્ર બાબતનો એક અઠવાડિયામાં રિપોર્ટ માગવામાં આવ્યો હોઈ શહેરી વિકાસ વિભાગે આ અંગે ચિંતા વ્યક્ત કરી રખડતાં ઢોરોના ત્રાસથી નાગરિકોને બચાવવા સંનિષ્ઠ પ્રયાસો કરવા જણાવ્યું હતું. રાજ્યમાં રખડતાં ઢોરની વકરેલી સમસ્યા અંગે દૈનિક રિપોર્ટ તૈયાર કરવાનું પણ બેઠકમાં નક્કી થયું હતું. આ સાથે શહેરો તથા નગરોમાં ખરાબ-તૂટેલા રસ્તાઓ ઝડપથી રિપેર કરવા તથા ટ્રાફિકમાં નડતરૂપ થતાં દબાણો તાત્કાલિક હટાવવા પણ જિલ્લા તંત્રો તથા મ્યુનિસિપલ કોર્પોરેશનોને કડક સૂચના અપાઈ હતી.

Back to top button