અમદાવાદઃ ઈસાઈ, શીખ, મુસ્લિમ માટે UCCનો કાયદો અડચણરૂપ થશે: ઈસુદાન ગઢવી

4 ફેબ્રુઆરી 2025 અમદાવાદ: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડ પરંપરાગત સંસ્કૃતિ પર તરાપ સમાન કાયદો છે. આદિવાસી સમાજ હોય કે માલધારી સમાજ હોય, આજે પણ અમારા માલધારી સમાજમાં ૮૦ ટકા ઘરેલુ ઝઘડાના વિવાદોને સમાજના આગેવાનો સુલજાવી લે છે. આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ છે અને પોતાના રીતે રિવાજો છે, આ બધા નિયમો યુસીસી આવ્યા બાદ ખતમ થઈ જશે. માટે અમારું માનવું છે કે UCC ભાજપનું એક નાટક છે. ઈસાઈ, શીખ, મુસ્લિમ માટે પણ આ કાયદો અડચણરૂપ થવાનો છે.
માલધારી, આદિવાસી સમાજને UCC અસર કરશે
ગુજરાતમાં આદિવાસી સમાજની 27 સીટો છે જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો ભાજપમાં 27 સીટો પર ઘુસી પણ નહીં શકે. માલધારી સમાજને પણ અસર કરતો આ કાયદો છે. હું આ કમિટીને વિનંતી કરીશ કે દરેક સમાજના એક એક પાસા પર વિચાર કરવામાં આવે. ભાજપને કહેવા માંગીશ કે દરેક વસ્તુને હિંદુ મુસ્લિમ કરીને કે વોટ બેન્કની દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી. કામ કરો અને કામના નામે મત માંગો. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આ લોકોને યુનિફોર્મ સિવિલ કોડ દેખાય છે. હવે ફેબ્રુઆરી 2026માં મહાનગરપાલિકા ચૂંટણીના સમયે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ કરશે અને ઓક્ટોબર કે નવેમ્બર 2027માં ફરીથી વિધાનસભા ચૂંટણી પહેલા આ યુસીસીનો મુદ્દો ઉઠાવવામાં આવશે.
કોઇ પણ સમાજને નડતરરૂપ થશો તો અમે વિરોધ કરીશું
ભાજપનો આ જ ધંધો છે. ભાજપને મોંઘવારીથી કોઈ લેવાદેવા નથી, બેરોજગારીથી કોઈ લેવાદેવા નથી, ભાજપને ભરતી નથી કરવી અને ખેડૂતોને ભાવ પણ નથી આપવા, ભાજપ વંચિતો શોષિતોને ન્યાય નથી આપવા માંગતો, તેઓને લોકોના સરઘસ કાઢવા છે, વાવાઝોડા કે પૂરમાં આખા આખા નગર તરતા હોય તેમ છતાં પણ ભાજપને તેની કોઈ ચિંતા હોતી નથી. ભાજપના એક પણ નેતા કે મંત્રીમાં આવડત નથી કે તેઓ ગુજરાત ચલાવી શકે, માટે તેઓ આ રીતના ગતકડા કરતા રહે છે જેના કારણે તેઓની ગાડી ચાલતી રહે. હું ગુજરાતની જનતાને કહેવા માંગીશ કે ભાજપની કોઈપણ વાતોમાં ભ્રમિત થતા નહીં. યુનિફોર્મ સિવિલ કોડ દરેક સમાજના જેમકે પ્રજાપતિ સમાજની અલગ વ્યવસ્થા છે આદિવાસી સમાજની અલગ વ્યવસ્થાઓ છે આ સિવાય નાની નાની જ્ઞાતિઓને પણ આ કાયદાથી અડચણ પડવાની છે. તો જો કોઈપણ સમાજને નડતરરૂપ થશે તો અમે આ કાયદાનો વિરોધ કરીશું.