Ahmedabad : બોગસ સીમકાર્ડ મામલે 6 આરોપીઓ વિરુદ્ધ બે ગુના દાખલ


રાજ્યમાં બોગસ સીમ કાર્ડ મામલે મોટા પાયે કાર્યવાહી થઈ રહી છે ત્યારે સાયબર સેલની ટીમે બોગસ સીમકાર્ડ રેકેટમાં 6 આરોપીઓ વિરુદ્ધ બે ગુન્હા દાખલ કરી 84 જેટલા બોગસ સીમકાર્ડ એક્ટિવ થયાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં નવા વાડજ અને કુબેરનગરના એજન્ટો દ્વારા ગેરકાયદે રીતે ગ્રાહકોની મંજૂરી વગર તેમણે તેઓના ફોટો આઈડી પર બીજાનો ફોટો લગાવી મોબાઈલ કંપનીઓને ગેરમાર્ગે દોરી બોગસ સીમકાર્ડ એક્ટિવ કર્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર મેટ્રોને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે શરૂ થશે !
સાયબર સેલ પોલીસ મથકમાં આ મામલે બે ફરિયાદ દાખલ થઈ છે જેમાં ધવલ માંડલીયા, સોનલ મારવાડી, ચિરાગ દિનેશભાઈ શાહ, ભાવેશ ડબગર, દિનેશ ગુપ્તા અને રીના ચાવડા વિરુદ્ધ ગુન્હો દાખલ થયો છે. દાખલ થયેલ ફરિયાદ મુજબ આરોપીઓએ ગ્રાહકોના ફોટો આઈડી પર અન્ય વ્યક્તિનો ફોટો લગાવીને મોબાઈલ કંપનીઓને ગેરમાર્ગે દોરી 84 જેટલા સીમકાર્ડ એક્ટિવેટ કરાવી ગુના આચર્યો હતો. ગુજરાતમાં સાયબર સેલ સહિતની તપાસ એજન્સીઓ બોગસ સીમકાર્ડ એક્ટિવ કરવાના રેકેટ પર મોટી કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં હાલ 15 જેટલા ગુન્હા આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે હાલ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.