અમદાવાદઃ લક્ઝુરિયસ ક્લબની મેમ્બરશીપ અપાવવાના નામે બે ભાઈઓને લાખોનો ચૂનો
આજકાલ લોકોમાં લક્ઝરીનો ક્રેઝ વધતો જાય છે અને તેના કારણે લક્ઝુરિયસ વસ્તુઓ કે વ્યવસ્થાઓના નામે રૂપિયા ખંખેરી છેતરપિંડી આચરતા શખ્સોને મોકળું મેદાન મળી ગયું છે. અમદાવાદમાં આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બે ભાઈઓને લક્ઝુરિયસ ક્લબ/રિસોર્ટની મેમ્બરશીપના નામે લાખોનો ચૂનો લગાવ્યાની પોલીસ ફરિયાદ શહેરના વાડજ પોલીસમથકમાં નોંધાઈ છે.
મળતી વિગતો પ્રમાણે ચાંદખેડાના ધવલ ટાંક અને તેમના ભાઈ અમન ટાંક ક્લબ મેમ્બર્શીપ અને 5 સ્ટાર હોટલમાં રોકાવાની ઉત્તમ સુવિધા સહિતની વાતો સાંભળીને લલચાયા અને તેમણે 2.70 લાખ ભરીને ક્લબની મેમ્બરશીપ લીધી હતી. આ પછી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
“હું ફલાણા રિસોર્ટ/ક્લબમાંથી બોલું છું, અમારી રિસોર્ટની મેમ્બરશીપ માટે પ્રેઝન્ટેશન છે, તમારે પરિવાર સાથે ફલાણી 5 સ્ટાર હોટલમાં માત્ર જમવા આવવાનું છે અને પ્લેઝન્ટેશન જોવાનું છે..”સ્કૂલોમાં વેકેશનની શરુઆત થઈ ગઈ છે ત્યારે આવા છેતરપિંડી કરતા ફોન પણ આવવાના શરુ થઈ ગયા છે. મોટી હોટલમાં રહેવાની, ક્લબમાં પરિવાર સાથે રહેવાની અને વિદેશ ફરવા જવાની વગેરે લાલચ આપતા ફોનમાં ટાંક બંધુ પણ ફસાયા અને તેમણે 2.70 લાખ રૂપિયા ગુમાવ્યા છે.
બીચ વિસ્ટન ઈન્ટરનેશનલ ક્લબના નામે આવેલા ફોન બાદ ધવલ ટાંક અને અમન ટાંક તેમના પત્ની સાથે ઉસ્માનપુરામાં આવેલી હોટલ લેન્ડમાર્ક ફોર્ચ્યુનમાં ગયા હતા. અહીં ક્લબના માણસો હોવાની ઓળખ આપનારા શિવમ નિગમ, સોનુ મિશ્રા, નવલસિંઘ રાઠોડ, દીપકકુમાર રાયે ક્લબનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ સાથે એવી સ્કીમ આપવામાં આવી કે જો તેઓ કંપનીની મેમ્બરશીપ લે છે તો તેમને 10 વર્ષ સુધી 7 નાઈટ 8 દિવસ ફાઈવ સ્ટાર હોટલમાં રહેવાની સુવિધા સહિતની ફેસેલિટી મળશે.
પ્રેઝન્ટેશન અને મોટી-મોટી ઓફર વિશે સાંભળીને ધવન અને અમન પ્રભાવિત થયા હતા અને તેમણે મેમ્બરશીપ પેટે 2.70 લાખ બીચ વિસ્ટન ઈન્ટરનેશનલ ક્લબમાં ચુકવ્યા હતા. આ રૂપિયા ભર્યા પછી તેમને કન્ફર્મેશન કૉલ પણ આવ્યો હતો અને એક લેટર પણ મળ્યો હતો. આવામાં માર્ચની રજાઓ દરમિયાન ધવલ ટાંકે ફરવા જવાનો પ્લાન બનાવ્યો અને જ્યારે રજિસ્ટ્રેશન માટે પ્રોસેસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓ છેતરાઈ ગયા છે. કારણ તેમણે રજિસ્ટ્રેસન માટે પ્રોસેસ માટે ઈન્ક્વાયરી કરી તો ખબર પડી કે આવી કોઈ સુવિધા તેમને મળી જ નથી.
આ અંગે ધવલ ટાંકે પોતાની સાથે થયેલી 2.80 લાખની છેતરપિંડી અંગે વાડજ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે તેમની સાથે ખોટી વાતો કરીને રૂપિયા પડાવનારાઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.