અમદાવાદ ટ્રાફિક પોલીસને મળશે ACવાળા હેલ્મેટ, શું છે AC હેલ્મેટની ખાસિયત ?
અમદાવાદની ટ્રાફિક પોલીસ ગમે તેવી પરિસ્થિતી હોય લોકોની સેવામાં ઊભા રહેતા હોય છે. ઠંડી હોય, વરસાદ હોય કે પછી ગમે તેવી ગરમી હોય ટ્રાફિક પોલીસ સતત લોકોની મદદ કરવા આગળ રહે છે, ત્યારે હવે આ ટ્રાફિક પોલીસને પણ થોડા રાહતના સમાચાર મળે તેવો નિર્ણય DGP વિકાસ સહાય દ્વારા લેવામાં આવ્યો છે. આગામી સમયમાં ટ્રાફિક પોલીસને એક્ક ખાસ પ્રકારના હેલ્મેટ આપવામાં આવશે. આ હેલ્મેટમાં ACની સુવિધા હશે, જેથી ગરમીમાં પણ આ ટ્રાફિક પોલીસને ફરજ બજાવતા સમયે ગરમીથી રાહત મળી શકે.
અમદાવાદ ટ્રાફિક પોલીસને પ્રાથમિક ટેસ્ટિંગ માટે ત્રણ AC હેલ્મેટ આપ્યા છે. હાલ પોલીસ રોડ પર હેલમેંટ પહેરી ઉભી રહે તો કોઈ અગવડ પડે છે કે નહીં તેની ચકાસણી ચાલી રહી છે. અત્યારે ગ્રાઉન્ડ લેવલના નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરનગર ચાર રસ્તા પર એક-એક પોલીસ કર્મીને આ બેટરીથી ચાલતા AC હેલ્મેટ અપાતા પોલીસ બફારા અને ગરમીભર્યા વાતાવરણમાં રાહત અનુભવી રહી છે.
શું છે AC હેલ્મેટની ખાસિયત ?
AC હેલ્મેટ પોલીસના સામાન્ય હેલ્મેટની ડિઝાઇનવાળા જ હેલ્મેટ છે. પણ તેમાં ખાસિયત એ છે કે, તેમાં મૂકાયેલો પંખો ACની માફક હવા ફેંકે છે જેથી તેને AC હેલ્મેટ કહેવાય છે. આ હેલ્મેટ બેટરીથી ચાલે છે. જે બેટરીનો વાયર હેલ્મેટ સાથે જોડેયોલો હોય છે અને બેટરી એક કવરમાં હોય છે. જે ટ્રાફિક પોલીસે તેમના કમરે ભરાવી બાદમાં હેલ્મેટ પહેરવાનું રહે છે. પોલીસને ઠંડક મળવાની સાથે-સાથે આંખો અને નાક સુરક્ષિત પણ રહે છે. આંખ અને નાકમાં ધુળ, ધુમાડો કે તડકાની અસર ન રહેતા આ હેલ્મેટથી પોલીસનું સ્વાસ્થ્ય બગડતું અટકાવી શકાશે. કારણ કે હેલ્મેટમાં એક ગ્લાસ પણ આપ્યો છે જે નાક સુધીનો ચહેરો ઢાંકે છે. આ હેલ્મેટનું બેટરી બેકઅપ પણ સારું છે, ચાર્જ કર્યા બાદ અનેક કલાકો સુધી તેની બેટરી ચાલે છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં જૉય રાઇડનો પુનઃ પ્રારંભ મ્યુનિસિપલ શિક્ષણ બોર્ડના પાંચ બાળકોએ માણી પહેલી જૉય રાઇડની મજા
અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફીન હસને જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓને હેલ્મેટ અપાયા છે. ગુજરાતના DGP તરફથી અમદાવાદ ટ્રાફિક પોલીસને પ્રયોગિક ધોરણે આ AC હેલ્મેટ અપાયા છે, જે પોલીસ માટે ખૂબ સારી બાબત છે. ટ્રાફિક પોલીસને તે કેટલા ઉપયોગી અને ફ્લેક્સીબલ છે તે બાબતે ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કરી જાણ કરવામાં આવશે.