અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2024, શહેરમાં વસતી અને વિસ્તાર સહિત વાહનોની સંખ્યા પણ વધી રહી છે. જેના કારણે રોડ પર ટ્રાફિકની સ્થિતિ બદથી બદતર બની છે. શહેરમાં ટ્રાફિકના નિયમો લોકો પાળતા જ નથી. પોલીસ આ માટે અનેક વખત જાગૃતિ અભિયાનો કરે છે અને કડકપણે નિયમોનું પાલન કરાવવા દંડનીય કાર્યવાહી પણ કરે છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસે છેલ્લા બે વર્ષમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકોને 20 લાખથી વધુ ઈ મેમો મોકલ્યાં છે. જેના 131 કરોડથી વધુની રકમના દંડ સામે માત્ર 29 કરોડ જેટલી રકમ દંડ પેટે જમા થઈ છે. પોલીસે હજી વાહન ચાલકો પાસેથી 100 કરોડ રૂપિયાની રકમ વસૂલવાની બાકી છે.
વાહન ચાલકો પાસેથી 100 કરોડ રૂપિયાની રકમ વસૂલવાની બાકી
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સવાલ પૂછ્યો હતો કે, 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જીલ્લામાં ટ્રાફિક નિયમોના ભાંગ બદલ કેટલા ઈ-મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા અને કેટલી રકમનો દંડ જમા થયો તેમજ કેટલી રકમ દંડ પેટે વસૂલવાની બાકી છે. સરકારે આ માટે કયા પગલાં લીધા છે. તેમના આ સવાલનો મુખ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકોને 20 લાખથી વધુ ઈ મેમો મોકલ્યાં છે. જેના 131 કરોડથી વધુની રકમના દંડ સામે માત્ર 29 કરોડ જેટલી રકમ દંડ પેટે જમા થઈ છે. પોલીસે હજી વાહન ચાલકો પાસેથી 100 કરોડ રૂપિયાની રકમ વસૂલવાની બાકી છે.
અમદાવાદીઓએ અધધધ ટ્રાફિક દંડની રકમ ભરી નથી
સરકારે લેખિતમાં જવાબ આપતાં કહ્યું હતું કે,અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં 17.43 લાખ અને 2023માં 3.48 લાખ ઈમેમો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોનો મોકલાયા હતાં. જ્યારે જિલ્લાની વાત કરીએ તો 2022માં 2133 અને 2023માં 13293 ઈમેમો મોકલવામાં આવ્યા હતાં. તેની સામે અમદાવાદ શહેરમાં 2022માં 25.51 કરોડ રૂપિયાથી વધુની રકમ દંડ પેટે જમા થઈ હતી. જ્યારે 2023માં 3.53 કરોડ રૂપિયાની રકમ જમા થઈ હતી. જિલ્લાની વાત કરીએ તો 2022માં 4.58 લાખ અને 2023માં 31.33 લાખ રૂપિયા ઈમેમોના દંડ પેટે જમા થયા હતાં. સરકારે જવાબ આપતાં કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 2022માં 104.56 કરોડ અને જિલ્લામાં 6.51 લાખ રૂપિયા દંડ પેટે વસૂલવાના બાકી છે. 2023ની સ્થિતિએ જોઈએ તો અમદાવાદ શહેરમાં 26.31 કરોડ અને જિલ્લામાં 1.54 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલવાના બાકી છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં સી પ્લેન સેવા ફરી શરૂ કરવા કોઈ કંપની તૈયાર નથી