અમદાવાદઃ નરોડામાં ગટરની સમસ્યાથી કંટાળીને મહિલાનો મેમ્કો કચેરી ખાતે હલ્લાબોલ; 15 દિવસ સુધી સતત રજૂઆતો કરાઈ
1 ડિસેમ્બર 2024 અમદાવાદ: શહેરના નરોડાનાં લક્ષ્મીનગર વિસ્તારમાં ઘણા સમયથી ગટરની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો અંતે તોબા પોકારી ઉઠ્યા છે. સ્થિતિ એવી વણસી કે મોટી સંખ્યામાં મહિલાઓનું ટોળું મેમ્કો ખાતે આવેલી કોર્પોરેશનની ઉત્તર ઝોન કચેરી ખાતે હંગામા મચાવ્યો હતો અને તંત્ર વિરુદ્ધ હાય હાયનાં નારા લગાવ્યા હતા.
15 દિવસ સુધી રજૂઆતો, માત્ર હૈયાધારણો અપાઇ
જનતા સેના પ્રમુખ કલ્પેશ પરમારે એચડી ન્ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નરોડાના લક્ષ્મીનગર વિસ્તારમાં 15 દિવસથી ગટરના પાણી રોડ પર ભરાતા હતા. જેના લીધે વિસ્તારમાં રહેતા બાળકોને શાળાએ અવરજવર કરવામાં તકલીફો પડતી હતી. ઉપરાંત રાહદારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે આ મામલે મ્યુનિસિપાલટી અધિકારીઓને રજૂઆત કરીએ તો કામ થઈ જશે કહીને માત્ર વાયદાઓ જ આપતા હતા. પરંતુ વાસ્તવિક માં ગ્રાઉન્ડ લેવલે કોઈ કામ કરાતું ન હોવાથી તમામ લોકો કંટાળી ચૂક્યા હતા.
સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની બાંહેધરી અપાઇ
સતત 15 દિવસ સુધી ગટર ઉભરાતા સ્થાનિક લોકો બીમારીનો સામનો કરી રહ્યા હોય તેવું જણાઈ આવ્યું હતું. વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં સમસ્યાનું નિવારણ ન આવતા મ્યુનિસિપાલટી તંત્ર હાય હાય ના નારા લગાવીને મહિલાઓએ છાજીયા લીધા હતા. જેના કારણે કોર્પોરેશનના ગેટ પણ બંધ કરી દેવાયા હતા. રોશે ભરાયેલા સ્થાનિકોએ મેમ્કો ખાતેની કોર્પોરેશનની ઉત્તર ઝોન કચેરીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે કોર્પોરેશન અધિકારીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પરની મુલાકાત લીધી હતી અને સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી.