અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદઃ આ રસ્તાઓ પર બેફામ સ્પીડથી વાહન ચલાવનારની હવે ખેર નથી…

Text To Speech

અમદાવાદ શહેરમાં કાર હાંકતા લોકો માટે આ સમાચાર અત્યંત મહત્વના છે. હવે જો તમે સરખેજ-ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડ અને સરદાર પટેલ રિંગ રોડ પર કાર લઈને નીકળો તો સુનિશ્ચિત કરજો કે તમારી ગાડીની સ્પીડ 70 કિમી પ્રતિ કલાકથી વધે નહીં. જો તમારી કારની સ્પીડ 70 કરતા વધારે જણાશે તો પહેલા તો બે વાર તમને તે જ સ્થળે દંડ ફટકારવામાં આવશે અને ત્રીજી વાર જો આ ભૂલ કરી તો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવશે.

જો ટુ-વ્હીલરની વાત કરવામાં આવે તો 100cc ડિસ્પ્લેસમેન્ટથી ઓછા દ્વિચક્રી વાહનો માટે ઝડપ મર્યાદા 60 કિમી પ્રતિ કલાક હશે, જ્યારે બાકીના વાહનોની 50 કિમી પ્રતિ કલાક હશે. ઉલ્લેખનીય છે કે આ નિયમનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને પકડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા સરખેજ ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ સહિતના અન્ય વિસ્તારોમાં સ્પીડ ગન સાથેના આઠ ઈન્ટરસેપ્ટર્સ તૈનાત કરવામાં આવ્યા છે.

જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ(ટ્રાફિક) મયંકસિંહ ચાવડા જણાવે છે કે, પ્રથમ વાર જે વાહનચાલક નિયમનો ભંગ કરતા પકડાશે તો તેને 2000 રુપિયા દંડ ફટકારવામાં આવશે. બીજી વાર જો નિયમ તોડવામાં આવશે તો 4000 રુપિયા દંડ ફટકારવામાં આવશે અને ત્રીજી વાર તે વાહનચાલકનું લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અમારી પાસે આઠ ઈન્ટરસેપ્ટર્સ છે અને હાઈવે પેટ્રોલ વ્હીકલ્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે, જે વાહનની ઝડપ પર નજર રાખશે.

અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રકારના અભિયાન ભૂતકાળમાં પણ સમયાંતરે આયોજિત કરવામાં આવ્યા હતા. આ જ વર્ષે માર્ચ મહિનામાં ટ્રાફિક પોલીસ દ્વારા 57 લોકોની પકડ કરવામાં આવી હતી. આ રસ્તાઓ પર સ્પીડ લિમિટના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, અને વાહનચાલકોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેઓ ગતિ મર્યાદાનું પાલન કરે. નોંધનીય છે કે અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે આ ગતિ મર્યાદા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તેમજ અન્ય મેડિકલ ઈમર્જન્સીના વાહનો અને પોલીસના વાહનોને લાગુ નથી થતી.

Back to top button