અમદાવાદ: યુવાનને સસ્તામાં ડોલર મેળવવાની લાલચ ભારે પડી


- ગઠિયાએ કહ્યું ડોલરમાંથી ૫૦થી ૬૦ ટકા ભારતીય નાણા લેવાના છે
- યુવાન લાલચ જાગતા ડોલર વટાવવા તૈયાર થયા
- ચપ્પુ બતાવી શશીકાંતભાઈના રોકડ રૂ.૧.૧૦ લાખ ઝુંટવી લીધા
ચકલાસીના બે ગઠિયાઓએ ડોલર વટાવવાના બહાને ઊંચા કમિશનની લાલચ આપી અમદાવાદના બે ઇસમો પાસેથી રૂ.૧.૧૦ લાખ પડાવ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ બનાવ અંગે ચકલાસી પોલીસે બંને ગઠિયા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
રીતેશભાઈને લાલચ જાગતા ડોલર વટાવવા તૈયાર થયા
અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા રીતેશ પટેલ મુંબઈ રહેતા સાળા શશીકાંત સોનીના ઘરે ગયા હતા. ત્યારે સાળાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસમાં એક અજાણ્યા નંબર પરથી ફોનમાં વ્યક્તિએ મારે પ્લાસ્ટરનું કામ કરાવવાનું છે પરંતુ મારી પાસે અમેરિકન ડોલર છે, જે ડોલર મજૂરી પેટે લઈને કામ કરી આપવા કોઈ તૈયાર હોય તો જણાવજો તેવી વાત કરી હતી.
વાત સાંભળીને રીતેશભાઈને આના વિશે તપાસ કરવાની જિજ્ઞાસા જાગી
વાત સાંભળીને રીતેશભાઈને આના વિશે તપાસ કરવાની જિજ્ઞાસા જાગી હતી. એ નંબર પર ફોન કરતા સામેવાળી વ્યક્તિએ પોતાની ઓળખાણ મહેન્દ્ર પટેલ તરીકે આપી હતી કહ્યું હતું કે, મારી પાસે અમેરિકન ડોલરના ૧૧ બંડલ છે જે ઇન્ડિયન રૂપિયામાં ટ્રાન્સફર કરી આપો અને અમારે ફક્ત આ ડોલરમાંથી ૫૦થી ૬૦ ટકા ભારતીય નાણા લેવાના છે બાકીના નાણાં તમે કમિશન પેટે રાખજો તેવી લોભામણી વાત કરી હતી. ત્યારે રીતેશભાઈને લાલચ જાગતા ડોલર વટાવવા તૈયાર થયા હતા.
ચપ્પુ બતાવી શશીકાંતભાઈના રોકડ રૂ.૧.૧૦ લાખ ઝુંટવી લીધા
મીટિંગ બાદ રીતેશભાઈ સાળા શશીકાંત સાથે ચકલાસી ગયાં ત્યારે મહેન્દ્ર પટેલનું અસલ નામ નરેન્દ્ર રાજપુત હોવાનું જાણવા મળ્યું હતું. ડોલર લેવા માટે તેઓ રૂ.૧.૧૦ લાખ લઈને ગયા હતા. સામેવાળાએ પૂછયું કે રૂપિયા લાવ્યા છો તો એમણે હા પાડી હતી અને ડોલર આપવા માટે તૈયારી બતાવી હતી જોકે આ ગઠિયાઓએ અગાઉથી નક્કી કર્યા મુજબ અંદર અંદર ઝઘડો કરી ભયનું વાતાવરણ સર્જયું હતું. એટલું જ નહીં રિતેશભાઈ અને સાળાને ચપ્પુ બતાવી શશીકાંતભાઈના રોકડ રૂ.૧.૧૦ લાખ ઝુંટવી લીધા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરી મામલે દર મહિને સરેરાશ જાણો કેટલા લોકોની કરાય છે ધરપકડ