અમદાવાદ : 85 વર્ષિય વૃદ્ધા માટે વરદાન રુપ સાબિત થયો સ્વાગત કાર્યક્રમ, આ રીતે મળ્યું સમસ્યાનું સમાધાન
- અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રએ 85 વર્ષીય વૃદ્ધાની સમસ્યાનું કર્યુ નિરાકરણ
- નોમિનીમાં નામ ન હોવાથી પતિના પેન્શનના પૈસા મેળવવામાં થતી હતી મુશ્કેલી
- મામલતદારના બેંકને લેખિત હુકમ થકી રકમ મળશે
અસરવાના રહેવાસી 85 વર્ષીય શાંતાબેન સોનજીભાઈ પટ્ટણીના ચહેરા પર ઘણા દિવસો બાદ ફરીથી સ્મિત આવ્યું છે. આ સ્મિતનું કારણ બની છે ગુજરાત સરકારની સ્વાગત પહેલ. નાગરિકોની ફરિયાદોનું સ્વાગત કરીને ઝડપી સમાધાન માટે કટિબદ્ધ જિલ્લા વહીવટી તંત્ર અને ખાસ કરીને અસારવા વિસ્તારના મામલતદાર જીતેન્દ્ર દેસાઈના પ્રયાસોને કારણે બાનું આગામી જીવતર સરળ બન્યું છે.
પતિના પેન્શનના પૈસા મેળવવા વૃદ્ધાને પડતી હતી મુશ્કેલી
અસારવાની આ વૃદ્ધાના પતિ સોનજીભાઈને વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સહાય મળતી હતી. સહાયની રકમ ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) પદ્ધતિથી તેમના બેંક ખાતામાં સીધી જમા થતી હતી. 2017માં તેમનું નિધન થતા બેનને નોંધારા થઈ ગયા હોવાનો અહેસાસ થયો. સ્વજન ગુમાવ્યાનું દુઃખ અને આગામી જીવન કેવી રીતે પસાર થશે તે વિકટ પ્રશ્ન સર્જાયો. કારણ કે બેંક ખાતામાં એકઠી થયેલી પેન્શનની બાકી નિકળતી રકમ વૃદ્ધાને આપવા માટે નોમિનીમાં તેમનું નામ જોઈએ. બેંકમાં વારંવાર રજૂઆતો કરવા છતા કોઈ કારણોસર તેમના પ્રશ્નનું સમાધાન ન આવ્યું. આવા સંજોગોમાં તેમને સરકારના સ્વાગત કાર્યક્રમની જાણ થઈ.
જિલ્લા વહીવટી તંત્ર આવ્યું વૃદ્ધાની મદદે
તેમણે પોતાની વ્યથાને અરજીમાં ઉતારી મદદ માટે વહીવટી તંત્રના દ્વાર ખખડાવ્યા. જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી. કે.ના માર્ગદર્શનમાં કાર્યરત અસારવા મામલતદાર જીતેન્દ્ર દેસાઈને આ અરજી મળી. સમગ્ર બાબતે વાસ્તવિકતા જાણીને મામલતદારએ સમય બગાડ્યા વગર સીધો જ બેંકના જવાબદાર અધિકારીના નામે એક લેખિત હુકમ તૈયાર કર્યો. જેમાં વૃદ્ધાને પેન્શનના હકદાર ગણાવીને એકઠી થયેલી સંપૂર્ણ રકમ બને તેટલી ઝડપથી ચુકવવા માટે આદેશ કરવામાં આવ્યો. અને આ હુકમની નકલ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના હસ્તે જ્યારે વૃદ્ધાને અર્પણ કરવામાં આવી ત્યારે તેમના ચહેરા પર સ્મિત સાથે આંખો ભીંજાયેલી હતી.
સ્વાગત કાર્યક્રમ 20 વર્ષ પુરા
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના વિચારથી સર્જાયેલો સ્વાગત કાર્યક્રમ 20 વર્ષ પુરા કરી ચુક્યો છે. અને શાંતાબેન પટ્ટણી જેવા અનેક લોકોને જીવનના કપરા સંજોગોમાં સરકાર તેમની સાથે હોવાનો અહેસાસ થતો રહ્યો છે.