અમદાવાદ: શહેરીજનોને સેવા પૂરી પાડતી બેફામ દોડતી AMTSની બસની સ્પીડ નિયંત્રિત કરવામાં આવશે
- HCની ગાઈડલાઈન મુજબ હાલ સ્પીડ લિમિટ કલાકદીઠ 50 કિ.મી.ની છે
- હાલમાં જ AMTSની બસે 8 જેટલા વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો
- AMTS બસના ડ્રાઇવરો અમદાવાદમાં છાશવારે નાના- મોટા અકસ્માતો કરે છે
અમદાવાદમાં શહેરીજનોને સેવા પૂરી પાડતી બેફામ દોડતી AMTSની બસની સ્પીડ નિયંત્રિત કરવામાં આવશે. AMTSની સ્પીડ લિમિટ ઘટાડીને 40 કિ.મી. કરવાની વિચારણા થઇ છે. HCની ગાઈડલાઈન મુજબ હાલ સ્પીડ લિમિટ કલાકદીઠ 50 કિ.મી.ની છે. જેમાં AMTSની કમિટીમાં દરખાસ્ત મંજૂર કરીને નિર્ણય લેવાયા પછી અમલ કરાશે.
આ પણ વાંચો: અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચમાં ઘૂસણખોરોને રોકવા પોલીસે નવી રણનીતિ ઘડી
AMTS બસના ડ્રાઇવરો અમદાવાદમાં છાશવારે નાના- મોટા અકસ્માતો કરે છે
અમદાવાદમાં છાશવારે નાના- મોટા અકસ્માતોને કારણે સર્જાતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસની સ્પીડ લિમિટ ઘટાડીને પ્રતિ કલાક 40 કિ.મી. કરવા માટે સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે. બેફામ, બેદરકારી અને બેજવાબદાપૂર્વક બસ હંકારીને લોકોના જાન જોખમમાં મૂકનારા AMTSના બસ ડ્રાઈવરો પર ‘અંકુશ’ મૂકવાની નેમ સાથે AMTSની યોજાનારી કમિટીમાં દરખાસ્ત મંજૂર કરીને નિર્ણય લેવામાં આવશે અને ત્યારપછી તેનો અમલ કરાશે.
આ નીતિવિષયક બાબત હોવાથી કદાચ લોકસભા ચૂંટણી પરિણામો જાહેર થયા પછી તે અંગે નિર્ણય લેવાય
જોકે, આ નીતિવિષયક બાબત હોવાથી કદાચ લોકસભા ચૂંટણી પરિણામો જાહેર થયા પછી તે અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જોકે, જનહિતને ધ્યાનમાં લઈને AMTS કમિટીમાં સ્પીડ લિમિટ કલાકદીઠ 40 કિ.મી. કરવા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈનને અનુસરીને AMTS અને ખાનગી બસ ઓપરેટરો દ્વારા દોડાવવામાં આવતી બસની સ્પીડ લિમિટ હાલ કલાક દીઠ 50 કિ.મી. છે. આમ, શહેરીજનોને બસ સેવા પૂરી પાડતી AMTSની બસની સ્પીડ નિયંત્રિત કરવામાં આવશે.
ડ્રાઈવરનો અને બસ ઓપરેટરને બચાવવાનો પ્રયાસો કરાયો
બે દિવસ પહેલાં જ AMTSના ડ્રાઈવરે સ્ટાર બજાર નજીક કરેલા અકસ્માતમાં મોટરકાર, રીક્ષા સહિત 8 જેટલા વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો અને પાંચ લોકોને ઈજા પહોંચાડી હતી. સ્ટાર બજાર નજીક થયેલા અકસ્માત માટે બસની બ્રેક ફેઈલ થઈ હોવાનું કારણ આગળ ધરીને ડ્રાઈવરનો અને બસ ઓપરેટરને બચાવવાનો પ્રયાસો કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.