અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત
અમદાવાદ : SVP હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડની છત ધરાશાયી


અમદાવાદ શહેરની જાણિતી SVP હોસ્પિટલમાં આવેલા ડાયાલિસિસ વોર્ડમાં છતનો ભાગ અચાનક ધરાશાયી થયો હોવાના અહેલાવ સામે આવી રહ્યા છે. જાણકારી મુજબ SVP હોસ્પિટલના 12મા માળે આવેલા ડાયાલિસિસ વોર્ડમાં અચાનક સિલીંગના POP સહિતના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું.
ડાયાલિસિસ વોર્ડમાં છતનો ભાગ ધરાશાયી
પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલમાં આવેલા ડાયાલિસિસ વોર્ડમાં છતનો ભાગ અચાનક ધરાશાયી થયો છે. SVP હોસ્પિટલના 12મા માળે આવેલા ડાયાલિસિસ વોર્ડમાં એકાએક સિલીંગના POP સહિતના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું.છતનો ભાગ અચાનક તૂટતાં અફરા તફરી મચી ગઈ હતી. જોકે આ ઘટના બની ત્યારે ડાયાલિસિસ વોર્ડમાં કોઈ દર્દી ન હોવાના કારણે કોઈ જાનહાની થઈ ન હતી.

SVP હોસ્પિટલના CEOએ આપ્યું આ નિવેદન
આ ઘટના અંગે SVP હોસ્પિટલના CEO ડો.સૌરભ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, ‘રવિવારના દિવસે હોસ્પિટલના 12માં માળે આવેલા ડાયાલિસિસ વોર્ડમાં RCCની છતમાં લાગેલી POPની શીટ તૂટી ગઈ હતી. આ ઘટનામાં 5 જેટલી શીટ તૂટી છે. જ્યાં આ ઘટના બની હતી ત્યાં દર્દીઓના બેડ નથી, ચાલવાના પેસેજ છે તે જગ્યા પર શીટ તૂટવાનો બનાવ બન્યો છે. આ બનાવમાં કોઈ જાનહાનિ સામે આવી નથી.’

ભૂતકાળમાં પણ બની છે આવી ઘટના
ઉલ્લેખનીય છે કે SVP હોસ્પિટલમાં છતનો ભાગ ધરાશાયી થવાનો આ પહેલો બનાવ નથી, SVP હોસ્પિટલમાં અવારનવાર છત પડવાની તેમજ પાણી પડવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ભૂતકાળમાં આ હોસ્પિટલમાં POPની છત તૂટી પડી હતી. તેમજ ઓપરેશન થિયેટરમાં પણ પાણી પડ્યું હતું. ત્યારે આજે ફરી એક વાર આ પ્રકારની ઘટના સામે આવતા હોસ્પિટલમાં કરવામાં આવેલા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદની જાણીતી SVP હોસ્પિટલમાં રાજ્યભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ હોસ્પિટલની હાલત જોતા લાગે છે કે હોસ્પિટલને ખુદને સારવારની જરૂર છે.