અમદાવાદઃ સંત કવિ રાજે અને બાપુસાહેબ ગાયકવાડ વિશે જાણીને શ્રોતાઓ થયા મંત્રમુગ્ધ
અમદાવાદ, 3 જાન્યુઆરી, 2025: સંત સાહિત્યપર્વ‘ના ત્રીજા દિવસે આજે ૦૩ જાન્યુઆરી, શુક્રવારના રોજ સંત ‘રાજે’ વિશે બળવંત જાનીએ અને સંત ‘બાપુસાહેબ ગાયકવાડ’ વિશે કાલિન્દી પરીખે મનનીય વક્તવ્ય આપ્યું. બંને વિદ્વાન વક્તાઓએ આપણા સંતોના જીવન અને કવન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંત સાહિત્ય પર્વનો આ વિશિષ્ઠ કાર્યક્રમ ૦૧થી ૦૫ જાન્યુઆરી, ૨૦૨૫ બુધવારથી રવિવાર સુધી સળંગ પાંચ દિવસ, સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે. ‘સંત સાહિત્યપર્વ’નું આયોજન ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કરવામાં આવ્યું છે.
‘સંત સાહિત્યપર્વ’ના ચોથા દિવસે આવતીકાલે ૦૪ જાન્યુઆરી, શનિવારના રોજ સંત ‘ધીરો ભગત’ વિશે કીર્તિદા શાહ અને સંત ‘ભોજો ભગત’ વિશે અંબાદાન રોહડિયા વક્તવ્ય આપશે.
આજના વક્તવ્યમાં સંત રાજે વિશે પૂર્વભૂમિકા આપીને બળવંત જાનીએ કહ્યું હતું કે, સંત રાજે મુસ્લિમ હતા પણ તે કૃષ્ણભક્તિ કવિ છે. સંત રાજેની કથાની નિર્માણ કરવાની શક્તિ છે. રાજે શ્રીમદ ભાગવતના પદોનો પદમાળાનો કવિ છે. રાજે સંગીતનો જ્ઞાતા છે.
સંત કવિની મહત્તા વિશે વાત કરતાં બળવંતભાઈએ કહ્યું કે, રાજે ચતુર્થ વિદ્યા ધરાવતો કવિ છે. રાજે બોલાતા શબ્દોનો કવિ છે એટલે રાજે સર્વસ્વીકૃતિ ધરાવતો કવિ છે,
જ્યારે બાપુસાહેબ ગાયકવાડ વિશે મનનીય અને રસપ્રદ માહિતી આપતાં કાલિન્દી પરીખે જણાવ્યું હતું કે, બાપુસાહેબ ગાયકવાડ જ્ઞાનમાર્ગી કવિ પરંપરાના અંતિમ કવિ છે. તેમના ગુરુ ધીરા ભગત અને નીરાંત ભગત પાસેથી જ્ઞાનોપદેશની વાણી સાંભળી તેમને જે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું તે તેમણે તળપદી ભાષામાં પીરસ્યું.
બાપુસાહેબે અંદાજે ૧૫૦ જેટલા પદોની રચના કરી છે. જેમાં જ્ઞાનોપદેશ, ધર્મવેશ અંગના પદો, બ્રાહ્મણ શૂદ્ર ભેદ તથા બ્રહ્મજ્ઞાનનાં પદો, સિદ્ધિખંડન નામે કાફીઓ. એ ઉપરાંત મન, દેહ, તૃષ્ણા, ધન, સ્ત્રી, પુત્ર, ગુરુ, આદિ દસ અંગો વિશેની ગરબીઓની રચના પણ કરી છે. બારમાસી-જ્ઞાનના દ્વાદશ માસમાં બ્રહ્માનંદની અનુભૂતિનું નિરૂપણ છે. તો ષડ્ રિપુ રાજિયા દ્વારા બાપુસાહેબે મરશિયા સાહિત્ય સ્વરૂપનાં સર્જન અને વિકાસમાં આપેલું યોગદાન અપૂર્વ છે. તેમનાં પદોનું વિષયવસ્તુ તત્વજ્ઞાન સભર અને ગંભીર હોવા છતાં તેમની ભાષા અને વર્ણન શૈલીના કારણે તે લોકભોગ્ય બની રહ્યા છે તેમ કાલિન્દી પરીખે કહ્યું હતું.
આ પણ વાંચોઃ સંત સાહિત્ય પર્વના બીજા દિવસે દલપત પઢિયારે રવિસાહેબ અને નિરંજન રાજ્યગુરુએ દાસી જીવણ વિશે રસપ્રદ માહિતી આપી
આ પણ વાંચોઃ અમદાવાદઃ સંત સાહિત્યપર્વના અનોખા કાર્યક્રમનું આયોજન, જાણો ક્યાં સુધી લાભ લઈ શકશો?
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD