ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: માણેકચોકમાંથી થયેલી રૂ.52 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

Text To Speech
  • મુખ્ય માસ્ટર માઇન્ડ ચાર લાખની રોકડ લઇને નાસી ગયાનું જાણવા મળ્યું
  • ઓરોપીઓએ સોનાનો ભાગ થોડા દિવસ બાદ કરવાનું નક્કી કર્યું
  • ક્રાઇમબ્રાંચે કલોલમાં રહેતા બે આરોપીઓને સોનાની લગડી સાથે ઝડપી લીધા

અમદાવાદના માણેકચોકમાંથી થયેલી રૂપિયા 52 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક સપ્તાહ પહેલા માણેકચોકમાં આવેલી એક દુકાનમાંથી તસ્કરોએ બાથરૂમની બારીની ગ્રીલ તોડીને રૂપિયા ચાર લાખની રોકડ અને સોનાની છ લગડી સહિત કુલ રૂપિયા 52.36 લાખની મત્તાની ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે કલોલમાં રહેતા બે આરોપીઓને સોનાની લગડી સાથે ઝડપી લીધા હતા.

મુખ્ય માસ્ટર માઇન્ડ ચાર લાખની રોકડ લઇને નાસી ગયાનું જાણવા મળ્યું

જ્યારે મુખ્ય માસ્ટર માઇન્ડ ચાર લાખની રોકડ લઇને નાસી ગયાનું જાણવા મળ્યું છે. શહેરના નિર્ણયનગરમાં આવેલા શાંતારામ કોમ્પ્લેક્સમાં રહેતા જયદીપ સોની માણેકચોક સાંકડી શેરીમાં સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરે છે. ગત 23મી ઓક્ટોબરના રોજ રાતના સમયે કોઇ તસ્કરો બાથરૂમની બારીની ગ્રીલ તોડીને દુકાનમાં પ્રવેશીને રૂપિયા ચાર લાખની રોકડ અને 48.36 લાખની કિંમતની સોનાની લગડીની ચોરી કરી ગયાની ફરિયાદ ખાડિયા પોલીસ મથકે નોંધવામાં આવી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના પીઆઇ જે.કે મકવાણા અને તેમના સ્ટાફ હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસના આધારે માહિતી મળી હતી કે જયદીપની દુકાનમાં અગાઉમાં કામ કરતા શિન્ટુ ચક્રવર્તીની શંકાસ્પદ ભૂમિકા છે.

ઓરોપીઓએ સોનાનો ભાગ થોડા દિવસ બાદ કરવાનું નક્કી કર્યું હતું

ઉપરાંત, તેની સાથે માણેકચોકની અન્ય દુકાનમાં કામ કરતા બે યુવકો સંકળાયેલા છે. જેના આધારે પોલીસે ગાંધીનગરના કલોલમાં રહેતા સંજય વૈષ્ણવ અને શૈલેષ જાદવને ઝડપીને તપાસ કરતા તેમની પાસેથી સોનાની લગડી મળી આવી હતી. બંનેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે શિન્ટુ ચક્રવર્તી અગાઉ જયદીપભાઇની દુકાનમાં કામ કરતો હોવાથી તે સોનું અને રોકડ ક્યા મુકવામાં આવે છે તે અંગે જાણતો હતો અને તેણે ચોરીની યોજના બનાવી હતી. ચોરી કર્યા બાદ તેણે ચાર લાખની રોકડ પોતાની પાસે રાખી હતી અને સોનાનો ભાગ થોડા દિવસ બાદ કરવાનું નક્કી કર્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદનો આ રોડ કાયમી બંધ થશે, અવરજવર માટે નવો રૂટ શરૂ કરાયો

Back to top button