સ્પોર્ટસ

અમદાવાદ ટેસ્ટ : ભારતની ચિંતામાં વધારો, શ્રેયસ ઐયર ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સિરીઝની અંતિમ ટેસ્ટ રમાઈ રહી છે. આજે આ અંતિમ ટેસ્ટનો ચોથો દિવસ છે ત્યારે ભારતની ચિંતામાં વધારો થયો છે. શ્રેયસ ઐયર ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે. શ્રેયસ ઐયર જૂની ઈજા સામે આવી છે, અય્યરને પીઠના નીચેના ભાગમાં દુખાવો થયો છે. જેને લઈને સ્કેન પણ કરવામાં આવ્યું હતું. હાલ ઐયરને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે શ્રેયસ ઐયર અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો : અમદાવાદ ટેસ્ટ : ભારત 15 વર્ષથી એક પણ મેચ નથી હાર્યું, ઓસ્ટ્રેલિયા આ મેદાનમાં પ્રથમ વખત રમશે

આ અંગે BCCI દ્વારા માહિતી શેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે તેને પીઠના નીચેના ભાગમાં દુખાવો થયો હતો, ત્યારબાદ તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમ ઐયરની ઈજા પર સતત નજર રાખી રહી છે.

ઈજાના લીધે મેદાનમાં ન આવ્યો

શ્રેયસ ઐયર ઈજાના કારણે હજુ સુધી અમદાવાદ ટેસ્ટમાં બેટિંગ કરવા આવ્યો નથી. તમને જણાવી દઈએ કે શ્રેયસ ઐયર 4 નંબર પર બેટિંગ કરે છે. તેના સ્થાને રવિન્દ્ર જાડેજાને ત્રીજા દિવસે બેટિંગ કરવા મેદાનમાં ઉતાર્યો હતો. જાડેજા ચોથા દિવસે કઈ ખાસ કરી ન શક્યો અને આઉટ થયા બાદ શ્રેયસ અય્યર નહી પણ એસ. ભરત બેટિંગ કરવા આવ્યો હતો. આના પરથી શ્રેયસ ઐયરની ઈજાની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. શ્રેયસ ઐય્યરને લઈને ભારતીય ટીમ હમણાં કોઈ જોખમ લેવાના મૂડમાં નથી, કારણ કે હજી વનડે સિરીઝ રમવાની છે, જેમાં શ્રેયસ અય્યરની ભૂમિકા મહત્વની હશે. હાલ ઈજાના કારણે અમદાવાદ ટેસ્ટમાં ઐયર આગળ રમવા અંગે સસ્પેન્સ છે.

આ પણ વાંચો : વિરાટ કોહલી સહિત ક્રિકેટર્સ રંગાયા હોળીના રંગમાં, બસમાં કોહલીએ કર્યો ડાન્સ

અગાઉ પણ આવી જ ઈજા થઇ હતી

શ્રેયસ ઐયરની પીઠના નીચેના ભાગની ઈજા નવી નથી પરંતુ જૂની છે. શ્રીલંકા સામે વ્હાઈટ બોલ સિરીઝ દરમિયાન તેને પહેલી ઈજા થઇ હતી, ત્યારબાદ તેણે એક મહિના માટે NCAમાં પુનર્વસન કર્યું હતું. તેના કારણે ઐયર ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો અને તેના સ્થાને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. હવે ટેસ્ટ સિરીઝની ચોથી મેચમાં શ્રેયસ ઐયરની એ જ ઈજા ફરી સામે આવી છે. જે ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે.

Back to top button