અમદાવાદના વિદ્યાર્થીનું કેનેડામાં રસ્તો ક્રોસ કરતા મોત, મૃતદેહ ભારત મોકલવા ક્રાઉડ ફંડિગ શરૂ કરાયું
- પરિવારે તેને કેનેડામાં હાયર એજ્યુકેશન માટે મુક્યો હતો.
- રોડ એક્સિડન્ટનો ભોગ બનનાર અમદાવાદના 19 વર્ષીય વર્સિલ પટેલનું મોત.
- મૃતદેહ ભારત મોકલવા માટે 30 હજાર ડોલરની જરુર પડી, મિત્રો દ્વારા ક્રાઉડ ફંડિગ કરાયું શરુ.
કેનેડાના ઓન્ટારિયો પ્રોવિન્સના બેરી શહેર ખાતે એક એક્સિડન્ટમાં અમદાવાદના 19 વર્ષીય યુવાન વર્સિલ પટેલનું કાર એક્સિડન્ટમાં મોત નીપજ્યું છે. વર્સિલ કેનેડામાં હાયર એજ્યુકેશન માટે ગયો હતો જ્યાં તે એક રોડ એક્સિડન્ટનો ભોગ બન્યો છે. મિત્રોએ વર્સિલના મૃતદેહને ભારતમાં લાવવા માટે ક્રાઉડફંડિંગ ઝુંબેશ શરૂ કરી છે, જેનો ખર્ચ 30 હજાર ડોલર થશે. અત્યાર સુધીમાં લગભગ 21 હજાર ડોલર એકત્ર થયા છે અને હજુ 9000 ડોલરની જરૂર છે.
- વર્સિલના મિત્રોએ સોશિયલ મીડિયા પર અપીલ કરી છે અને લોકોને ઉદાર હાથે દાન કરવા વિનંતી કરી છે, જેથી વર્સિલનાં પરિવારજનો તેમના દીકરાનું મોઢું જોઈ શકે.
કેવી રીતે થયો હતો કાર અકસ્માત?
વર્સિલ બેરી ખાતે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કારે તેને ટક્કર મારી હતી. તેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેનું મૃત્યુ થયું હતું. કેનેડાના લોકલ મીડિયા રિપોર્ટ પ્રમાણે, 21 જુલાઈએ રાતે 10.15 વાગ્યે એક કારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે રાતે લગભગ 10.15 વાગ્યે બેરીના બિગ બે પોઈન્ટ રોડ અને લેગોટ એવેન્યુ વચ્ચે એક્સિડન્ટ થયો હતો જેમાં એક સ્ટુડન્ટનો જીવ ગયો છે. ઈમર્જન્સી સર્વિસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ વર્ષિલનું ત્યાં જ મૃત્યુ થયું હતું.
આ પહેલાં પણ એક ઘટના બની હતી:
કેનેડાના બેરી નજીક સ્ટુડન્ટને એક્સિડન્ટ થયો હોય તેવી તાજેતરમાં આ બીજી ઘટના છે. થોડા મહિના અગાઉ બાંગ્લાદેશના એક સ્ટુડન્ટનું પણ રોડ એક્સિડન્ટમાં આવી જ રીતે મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: સ્ટંટ કરનાર હવે ચેતજો, જો નજરે ચડ્યા તો ગયા, રોડને રેસિંગ ટ્રેક બનાવનાર સામે થશે કાર્યવાહી