અમદાવાદ: સોશિયલ મીડિયા બેધારી તલવાર, 1 વર્ષમાં 2000થી વધુ દર્દીએ લીધી માનસિક રોગની સારવાર

સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા દર્દીઓનું પ્રમાણ વધ્યું
- ખાનગી માનસિક આરોગ્ય હોસ્પિટલને આવરી લેવાય તો આંકડો બે હજારથી વધુ
- સોશિયલ મીડિયા બેધારી તલવાર જેવું સાબિત થઇ રહ્યું છે
અમદાવાદની એક હોસ્પિટલની ઓપીડીના વેઇટિંગ રૂમમાં અનેક બાળકો, કિશોર તેમજ યુવાન દર્દીઓ પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઇને બેઠા છે. તેમના ચહેરામાં એક પ્રકારની બેચેની જોવા મળી રહી છે. ના, તેઓ ડ્રગ્સની આદતના શિકાર નથી. પરંતુ તેમને સોશિયલ મીડિયાના વળગણની બીમારી છે. જેમ દારૂ કે ડ્રગ્સની લત્ત ધરાવનાર લોકોને તેના સેવન કર્યા વિના બેચેની અનુભવવા લાગે તેવી જ સ્થિતિ સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા આ દર્દીઓ ધરાવે છે.
સોશિયલ મીડિયા બેધારી તલવાર જેવું સાબિત થઇ રહ્યું છે
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા આ દર્દીઓનું આ પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે આ બાબત એલાર્મ સમાન છે. આજના સમયમાં ભાગ્યે જ કોઇનો એવો સ્માર્ટ ફોન હશે જેમાં સોશિયલ મીડિયાની એકપણ એપ ન હોય. દૂર રહેતા સ્વજન-મિત્રથી જીવંત સંપર્કમાં રહેવાના હેતુ સાથે સોશિયલ મીડિયાનો પ્રારંભ થયો હશે. પરંતુ હવે સોશિયલ મીડિયાથી દૂર રહેતી વ્યક્તિથી ભલે નીકટતા વધી હોય પણ ઘરના સદસ્યો સાથે જીવંત સંવાદ નહીં થઇ શકવાથી અનેક પરિવારોમાં જ અદ્રશ્ય દિવાલ જોવા મળી રહી છે. આમ, સોશિયલ મીડિયા બેધારી તલવાર જેવું સાબિત થઇ રહ્યું છે.
ખાનગી માનસિક આરોગ્ય હોસ્પિટલને આવરી લેવાય તો આંકડો બે હજારથી વધુ
સોશિયલ મીડિયાનું વળગણ દૂર કરવા માટે અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં ડીએડિક્શન સેન્ટરની જ વાત કરવામાં આવે તો તેમાં આવતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 2021-22માં 116 દર્દીઓ ડિજિટલ ડિટોક્સ સેન્ટરમાં આવતા હતા અને તે સંખ્યા 2024-25માં વધીને 491 થઈ ગઈ છે. આ તો માત્ર સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલનો આંકડો છે. ખાનગી માનસિક આરોગ્ય હોસ્પિટલને આવરી લેવાય તો આંકડો બે હજારથી વધુ છે.
આ પણ વાંચો: જામનગર: MLAના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ થયો












