અમદાવાદ: કોલ્ડપ્લે જોવા આવેલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે મોટો “દાવ” થયો
![Fraud](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/09/Fraud-.jpg)
- લાખો ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટના એક્સેસ મેળવી લઈ ધમકી આપી
- ‘હમ સાયબર સેલ સે હૈ, ઔર તું એક ક્રાઇમ મેં ઇન્વોલ્વ હૈ: આરોપીઓ
- યુવકે કરજણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
અમદાવાદમાં કોલ્ડપ્લે જોવા આવેલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે મોટો “દાવ” થયો છે. કોલ્ડપ્લે જોવા માટે મધ્ય પ્રદેશથી ગુજરાત આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે છેતરપિંડી થઇ છે. આ યુવક બસમાં ગુજરાત આવી રહ્યો હતો ત્યારે કરજણ પાસે કેટલાક લોકો બસમાં ચઢ્યા હતા અને તેમણે સાયબર ક્રાઇમમાંથી આવતાં હોવાનું કહી તેના લાખો ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટના એક્સેસ મેળવી લઈ ધમકી આપી હતી.
યુવકે કરજણ પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
યુવકે કરજણ પોલીસ સ્ટેશનમાં પાંચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રામજીભાઈ અનિલભાઈ શ્રીવાસ્તવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને છેલ્લા 4 વર્ષથી સ્ટોક માર્કેટના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર્સ છે, જ્યારે તેના ટેલિગ્રામ એકાઉન્ટમાં એક લાખ ફોલોઅર્સ છે.’
‘હમ સાયબર સેલ સે હૈ, ઔર તું એક ક્રાઇમ મેં ઇન્વોલ્વ હૈ
રામજીભાઈ પોતાના મિત્ર સાથે 26 જાન્યુઆરીએ અમદાવાદમાં કોલ્ડપ્લે મ્યુઝિકલ કાર્યક્રમ જોવા જવાના હતા. જેથી તે વિદિશાથી ભરૂચ આવવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન કરજણ હાઇવે પર રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખી, ત્યારે 30 વર્ષની ઉંમરના યુવાનો બસમાં ચઢ્યા હતા. આ યુવકોએ રામજીભાઈને કહ્યું હતું કે ‘હમ સાયબર સેલ સે હૈ, ઔર તું એક ક્રાઇમ મેં ઇન્વોલ્વ હૈ, તુ હમારે સાથ ચલ, તુમ્હારી પૂછતાછ કરની હૈ. જેથી હું બસમાંથી ઉતરી ગયો હતો. ત્યારબાદ મને કારમાં બેસાડી દીધો અને કહ્યું કે એક આદમી કો તેરે કારણ રૂ. 1 કરોડ કા લોસ હુઆ થા, ઉસને સ્યુસાઇડ કર લિયા હૈ, ઔર પોલીસ સ્ટેશન મેં પૂછતાછ કે લિયે તુમ્હારી જરૂરત હૈ’
ફોન ઝૂંટવીને, ધમકી આપીને, ઓટીપી મેળવ્યો
આમ કહીને તે યુવકોએ મારી પાસેથી ફોન ઝૂંટવીને, ધમકી આપીને, ઓટીપી મેળવ્યો હતો. તેમણે મને રસ્તામાં રઝળતો મૂકી દીધો હતો. ત્યારબાદ મેં મિત્રનો સંપર્ક કરતાં તે મને લેવા આવ્યો હતો. પરંતુ મારા બંને સોશિયલ મીડિયા એકાઉન્ટના એક્સેસ અન્ય પાસે જતા રહ્યા હતા. જેથી મને છેતરપિંડી થયાની ખબર પડતા પોલીસ ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: આણંદ: મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મૃત્યુ