ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: ઉદ્ગમ સ્કૂલની કરોડોના ફી ઉઘરાણી કર્યાના કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા

થલતેજની ઉદ્ગમ સ્કૂલે 2017થી ખોટા ઓડિટ હિસાબો થકી કરોડોની ફી ઉઘરાવી હતી. જેમાં વન ટાઈમ એડમિશન ફી પાછી આપી નથી તથા ખોટા ભાડા FRCમાં બતાવ્યા છે. તેમજ વાલી અને સરકાર સાથે છેતરપિંડી કરનાર ઉદ્ગમ સ્કૂલ, ટ્રસ્ટીઓ સામે ફોજદારી કેસ કરવા માગ કરવામાં આવી છે. તથા હોસ્પિટલની જમીન ઉપર સ્કૂલ બિલ્ડિંગ બનાવી લીઝ ડીડનો ભંગ કરેલ છે.

છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ ગુજરાત વાલી મંડળે કરતા ચર્ચા જાગી

થલતેજ સ્થિત ઉદગમ સ્કૂલ દ્વારા એફઆરસીમાં 2017ના વર્ષથી ખોટા ઓડિટ હિસાબો, ખોટા સોગંદનામા, ખોટી એફિડેવિટ કરી કરોડો રૂપિયાની ગેરકાયદે ફી ઉઘરાવીને વાલીઓ તથા સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ ગુજરાત વાલી મંડળે કરતા ચર્ચા જાગી છે. ઉદગમ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન દ્વારા ફી રેગ્યુલેશન સમિતિમાં 2017ની સાલથી અત્યાર સુધી ખોટા હિસાબો કરી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ તથા સરકાર સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી જેવો ગંભીર ગુનો વર્ષોથી આચરવામાં આવેલ છે તેવો આક્ષેપ કરતા ગુજરાત વાલી મંડળના પ્રમુખ આશિષ કણઝરીયાએ જણાવ્યું છે કે 2017-18માં 99 વર્ષની લીઝ ડીડ પેટે ઔડાને વાર્ષિક સાચું ભાડું રૂ.24,568 ચુકવ્યું હતું.

25 કરોડ 72 લાખના બિલ્ડિંગ રિપેરિંગ ખર્ચ બતાવ્યા

સ્કૂલે એફઆરસીમાં 1 કરોડ 21 લાખ દર્શાવ્યું છે. જ્યારે એફઆરસીમાં દર વર્ષે બિલ્ડિંગ રિપેરિંગ ખર્ચ 3 કરોડ 57 લાખ બતાવ્યા છે. 2018-19ના વર્ષમાં ઔડાને રૂ.24,568 સાચું ભાડું ચુકવ્યું પરંતુ એફઆરસીમાં 1 કરોડ 20 લાખ બતાવ્યું હતું. જ્યારે એફઆરસીમાં બિલ્ડિંગ રિપેરિંગ ખર્ચ પેટે 3 કરોડ 80 લાખ બતાવ્યા હતા. આ જ પ્રમાણે 2020-21ના વર્ષમાં પણ આ સ્કૂલે રૂ.24,568 ભાડું ચુકવ્યું છતાં એફઆરસીમાં 1 કરોડ 20 લાખના ખર્ચા બતાવ્યા અને 25 કરોડ 72 લાખના બિલ્ડિંગ રિપેરિંગ ખર્ચ બતાવ્યા.

મેડિકલ ખર્ચા રૂ.1,75,76,103 મળી કુલ રૂ.29,56,00,000 ખર્ચા બતાવ્યા

વાલી મંડળના પ્રમુખે વધુમાં આક્ષેપ કરતા કહ્યું છે કે વસંત નેચરક્યોર હોસ્પિટલ ટ્રસ્ટને 99 વર્ષના લીઝ ડીડથી હોસ્પિટલ બનાવવા આપેલ છે તે હોસ્પિટલની જમીન ઉપર સ્કૂલ બિલ્ડિંગ બનાવી લીઝ ડીડનો ભંગ કરેલ છે. ઉદગમ સ્કૂલને જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા ખર્ચાની નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં એજ્યુકેશન ખર્ચા રૂ.27,80,83,563, મેડિકલ ખર્ચા રૂ.1,75,76,103 મળી કુલ રૂ.29,56,00,000 ખર્ચા બતાવ્યા છે તે બાબતે ખૂલાસો કરવા કહ્યું છે.

ઉપરાંત 2022-23માં વાલીઓ પાસેથી ઉઘરાવેલી ગેરકાયદે ફીમાંથી 3 કરોડની રકમ ચિત્રા પબ્લીસીટી એડ એજન્સીમાં એએમટીએસ બસ સ્ટેન્ડ પર જાહેરાત કરવા પાછળ વાપરી નાખી છે. આ ફરિયાદને અતિ ગંભીર ગણીને વાલીઓ પાસેથી ઉઘરાવેલી ગેરકાયદે ફીથી અત્યાર સુધીની ગણતરી કરી, વ્યાજ સાથે પાછી અપાવવા તેમજ તમામ ટ્રસ્ટીઓ સામે ફોજદારી કેસ કરી, તપાસ સમિતિ બનાવી, ન્યાયિક તપાસ કરાવવાની માગ સાથે શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ, એફઆરસીના ચેરમેન, ડીઈઓ શહેર અને ગ્રામ્યને પણ આવેદન પાઠવ્યું છે.

Back to top button