અમદાવાદઃ વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદીમાં 9 કરોડનું કૌભાંડ; જાણો પૂર્વ કોન્ટ્રાક્ટરે કેવા આક્ષેપ કર્યા

22 જાન્યુઆરી 2025 અમદાવાદ; ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદી કૌભાંડ બાબતે ટ્રાન્સપોર્ટ પરિવહન એજન્સીના પૂર્વ કોન્ટ્રાક્ટર ઉપેન્દ્રસિંહ ચાવડા આશરે 9 કરોડ જેટલી રકમનો ભ્રષ્ટાચાર અને કૌભાંડનાં આક્ષેપ કર્યા છે. જોકે આ મામલે વિરમગામ તાલુકા મામલતદાર દ્વારા 20 દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. વિરમગામ પોલીસ દ્વારા સાત આરોપીઓનાં નામનો FIRમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
3.67 કરોડની બોરીઓ ગાયબ; 5 કરોડ ચૂકવાયા
ટ્રાન્સપોર્ટ પરિવહન એજન્સીના પૂર્વ કોન્ટ્રાક્ટર ઉપેન્દ્રસિંહ ચાવડા પત્રકાર પરિષદ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે ટેકાના ભાવે ડાંગરની ખરીદી પર મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ ફરિયાદ પણ એક વર્ષ બાદ નોંધાઇ છે. ત્યારે ડાંગર ખરીદી કૌભાંડની તપાસમાં ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હોવાની વિગતો સાથે ખેડૂતો માહિતી આપી રહ્યા છે. જેમાં 3.67 કરોડની બોરીઓ ઓછી હોવાની વિગતો સામે આવી રહી છે. જે બારોબાર વેચી દેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં અનેક મોટા માથાઓની સંડોવણી સામેલ છે. પરંતુ પોલીસ ફરિયાદમાં મોટા માથાઓનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આ કૌભાંડ 20 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલા ડાંગરમાં કરવામાં આવેલો છે.
મુખ્ય કૌભાંડી હાર્દિક ડોડીયા છે: ઉપેન્દ્રસિંહ ચાવડા
પૂર્વ કોન્ટ્રાક્ટરે આક્ષેપ કર્યો હતો કે આ કૌભાંડમાં સત્યમ રોડવેઝ એજન્સી જે આ કોન્ટ્રાક્ટ લેવાને લાયક નથી. વિવાદિત છે. છતાં મોટા માથાઓના મળતીયાઓને કારણે એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ કૌભાંડમાં સત્યમ રોડવેઝનાં માલિક નિસર્ગ પટેલ અને યુગ પટેલની ખૂબ જ મોટી ભૂમિકા છે. જેમનો પોલીસ FIRમાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો! સાથે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને માત્ર હાથો બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ પાછળ સૌથી મોટું માથું હાર્દિક ડોડીયા છે, જે ભાજપ યુવા મોરચાનો ઉપપ્રમુખ છે. ડાંગરમાં કુલ 9 કરોડનું કૌભાંડ થયું હોવાનું ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ મામલો સામે આવતા 5 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઇ ગયા છે.
પોલીસ FIRમાં 7 આરોપીઓનો ઉલ્લેખ
અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે મામલતદાર અધિકારી દ્વારા ફરિયાદ અપાતા 20 દિવસ પહેલા જ વિરમગામ પોલીસ સ્ટેશનમાં કુલ 7 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે માંગણી કરવામાં આવી હતી કે નાના માથાઓને છોડીને મોટાં જવાબદાર વ્યક્તિઓને આરોપી તરીકે જાહેર ખેડૂતોના પૈસા ચૂકતા કરી દેવામાં આવે.