અમદાવાદ: સેટેલાઈટની રાષ્ટ્રપાલ સોસાયટીની 2 હજાર કરોડની જમીન પચાવી પાડવાનાં આક્ષેપ; સિદ્ધિ ગ્રુપના બિલ્ડર મેહુલ પટેલ વિરુદ્ધ કરાઈ ફરિયાદ

20 એપ્રિલ 2025 અમદાવાદ: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી રાષ્ટ્રપાલ સોસાયટીની 16 હજાર ચોરસ વારની જમીન જેની કિંમત આશરે 2000 કરોડ થાય છે. જે સિદ્ધિ ગ્રુપના બિલ્ડર દ્વારા ખોટું બોલી રહીશો પાસેથી ખાલી કરાવી સસ્તા તથા મફતના ભાવે પચાવી પાડવાનો કારસો રચાયો હોવાનું સોસાયટીના રહીશો દ્વારા આક્ષેપ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે.
2000 કરોડની જમીન સસ્તામાં લઈ લેવાનું આયોજન
સામાજિક આગેવાન જીતેન્દ્ર ઉપાધ્યાય HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું ખાનગી બિલ્ડર સિદ્ધિ ગ્રુપના માલિક મેહુલ પટેલ દ્વારા આશરે છેલ્લા બે વર્ષથી રાષ્ટ્રપાલ પ્રાઇવેટ સોસાયટી લિમિટેડની અંદાજિત 2000 કરોડની જમીન સોસાયટીમાં રહેતા સ્થાનિકોને સરકારી જમીન હોવાનું કહી ખાલી કરવામાં આવી રહી છે. અને તેના બદલામાં સામાન્ય રીતે 3000 થી 5,000 જેટલું ભાડું અને બીજી અન્ય જગ્યાએ મકાન આપવાની વાત કરી છે. જોકે આશરે આખી સોસાયટીમાં 340 જેટલા પરિવારોના ઘર હોવાથી આ કમિટમેન્ટ લઈને સામાન્ય સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને 300 જેટલા પરિવારો મકાન ખાલી કરીને જતા રહ્યા છે. અને બાકી રહેલા 40 જેટલા મકાનો જેઓ પોતે ઘણા વર્ષોથી ત્યાં રહેતા હોવાથી મકાન ખાલી કરવા તૈયાર ન હતા, જેઓને એન કેન પ્રકારે દબાવી, ધમકાવી તેમાંથી 20 મકાનો ખાલી કરાવી દીધા. અને હજુ બાકીના 20 મકાન માલિકો ખાલી કરવા તૈયાર ન હોવાથી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કમિશનરને મળીને લેખિતમાં રજૂઆત કરી હતી અને આ બિલ્ડર ઉપર કાયદાકીય પગલાં લેવાની માંગ કરી હતી.
સરકારી જમીન હોવાનું જુઠ્ઠાણું ફેલાવી ખાલી કરાવી
સામાજિક કાર્યકર ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે સોસાયટીના તમામ રહીશોને શરૂઆતમાં તો આ જમીન સરકારી જમીન છે તેવું જણાવતા વાતને માની લેવામાં આવી હતી. પરંતુ શંકા જતા આ તમામ બાબતે આરટીઆઇ કરીને માહિતી મેળવવામાં આવી હતી જેમાં આ બિલ્ડર દ્વારા વારંવાર કોર્પોરેશનને જમીનને પોતાની માલિકીના નામે કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશન દ્વારા જણાવી દેવાયું હતું કે આ જમીન રાષ્ટ્રપાલ સોસાયટી પ્રાઇવેટ લિમિટેડના નામે છે. જે આપના નામે કરી શકાય તેમ નથી, આ વાતની જાણ સોસાયટીના રહીશોને થતા આ અંગે કેન્દ્ર સરકારમાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરાઈ છે.

કોર્પોરેશનના અમુક અધિકારીઓ બિલ્ડર સાથે મળેલા
તેમણે વધુમા આક્ષેપ કરતાં કહ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન અમુક અધિકારીઓ પણ બિલ્ડર સાથે મળીને સોસાયટીમાં આ 20 મકાન માલિકોને એનકેન પ્રકારે ખાલી કરવા માટે નળ પાણી અને પ્રાથમિક સુવિધાઓ સોસાયટીમાં બંધ કરી દેવામાં આવી હતી. તેમજ આસપાસમાં પાણી અને ગંદકીનો ભરાવો કરી દેવામાં આવ્યો હતો. જેથી ના છૂટકે કંટાળીને આ 20 મકાનમાલિકો ખાલી કરીને અહીંયાથી જતા રહે અને આ સમગ્ર જગ્યા સિદ્ધિ ગ્રુપના બિલ્ડર મેહુલ પટેલને મળી રહે. હાલ બિલ્ડર મેહુલ પટેલ સાથે કયા કોર્પોરેશનના અધિકારીઓ આ અંગે મળેલા છે અને તેમના વચ્ચે કોઈ આર્થિક વ્યવહારો થયા હોય તો યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.












