ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: સગીરાએ બોયફ્રેન્ડના કહેવાથી પોતાના જ ઘરમાં ચોરી કરી

  • સગીરાના પિતાએ સીસીટીવી તપાસ કરતા ભાંડો ફૂટ્યો
  • પિતાએ પુત્રી અને તેના બોયફ્રેન્ડ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી
  • પોલીસે સગીરાના બોયફ્રેન્ડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાએ તેના બોયફ્રેન્ડના કહેવાથી પોતાના જ ઘરમાંથી એક લોકરની ચોરી કરી હતી. સગીરાના પિતાએ એપાર્ટમેન્ટના સીસીટીવી તપાસ કરતા તેનો ભાંડો ફૂટી ગયો હોવા છતાંય, લોકર અંગે કોઈ માહિતી ન આપતા છેવટે તેના પિતાએ પુત્રી અને તેના બોયફ્રેન્ડ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સગીરાના બોયફ્રેન્ડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી

પોલીસની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે લોકરમાંથી મુદ્દામાલ કાઢીને વાસણા રિવરફ્રન્ટની ઝાડીઓમાં ફેંકી દીધું હતું. આ અંગે બોપલ પોલીસે સગીરાના બોયફ્રેન્ડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શેલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા વ્યક્તિએ તેમના રૂમમાં લોકરમાં 22 જીવતા કારતૂસ, હથિયારનું લાયસન્સ, પાસપોર્ટ અને સોના દાગીના સહિત કુલ 1.56 લાખની મતા મુકી હતી. થોડા મહિના પહેલા તે વ્યક્તિએ સ્કૂટરના ડોક્યુમેન્ટ મુકવા માટે કબાટ ખોલ્યો ત્યારે લોકર મળી આવ્યું નહોતું. જેથી ઘરમાં તપાસ કરતા કોઈ કડી મળી નહોતી. જેથી તેમણે એપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજ જોયા ત્યારે તે ચોંકી ઉઠ્યા હતા.

બોક્સમાં અન્ય વસ્તુ લઈને જતી હોવાનું રટણ ચાલુ રાખ્યું

કારણ કે ફુટેજમાં તેમની જ 16 વર્ષની પુત્રી અને અન્ય એક યુવક તેની સાથે જોવા મળ્યો હતો. જેથી તેના પિતાએ પુછતા તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. બાદમાં જાણવા મળ્યું હતુ કે તેની સાથે રહેલા યુવકનું નામ ઋતુરાજસિંહ ચાવડા હતુ. જો કે સગીરાએ લોકર ચોરીની વાત સ્વીકારી નહોતી અને એક બોક્સમાં અન્ય વસ્તુ લઈને જતી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.

સગીરાને ઘરમાંથી ચોરી કરવા માટે કહ્યું હતું

પરંતુ, લોકરમાં કારતૂસ, અસલી પાસપોર્ટ સહિતના દસ્તાવેજ હોવાથી છેવટે તેના પિતાએ બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઋતુરાજસિંહની ધરપકડ કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે સગીરાને ઘરમાંથી ચોરી કરવા માટે કહ્યું હતું. જેથી સગીરાએ તેના જ ઘરમાંથી ચોરી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં પ્રોફેશનલ ટેકસ નહીં ભરનારાને નોટિસ અપાશે

Back to top button