અમદાવાદગુજરાત

અમદાવાદઃ RTOનું સર્વર ડાઉન થતાં ઓનલાઈન સેવાઓ પર અસર, અરજદારોને હાલાકી

અમદાવાદ, 16 મે 2024, આરટીઓમાં ડ્રાઈવિંગ લાયસન્સ સહિત તમામ પ્રકારની ઓનલાઈન એપ્લિકેશન કરતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. RTOમાં વારંવાર સર્વર ઠપ્પ થઈ જતાં લોકોને હેરાનગતીનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ માટેની અરજીઓ કરતાં લોકોને સર્વર ડાઉન થતાં અરજીઓ કરવામાં ભારે તકલીફો પડી રહી છે. બીજી તરફ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું સર્વર પણ બંધ રહેતા અરજીઓનો ભરાવો થયો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. તે ઉપરાંત ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ માટેની અરજીઓ પણ થઈ શકતી નથી. જેના કારણે વિદેશમાં યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારા પણ પરમીટ લેવા માટે હેરાનગતીનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ સારથી પોર્ટલ પર મેન્ટેેનેન્સની કામગીરી ચાલુ હોવાથી આગામી 18મી મે સુધી સવારે 10 વાગ્યા સુધી સેવાઓ બંધ રહેશે તેવો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે.

લોકો પણ સર્વર ડાઉન થયાની ફરિયાદથી હેરાન થઈ ગયા
અમદાવાદમાં ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજદારો ઓનલાઈન એપ્લિકેશન કરે છે. આ એપ્લિકેશન કરતાં સમયે સર્વર અચાનક ડાઉન થઈ જાય છે અને અરજદાર એપ્લિકેશન કરી શકતાં નથી. સિસ્ટમમાં ભરેલી વિગતોનું પેજ આપો આપ બંધ થઈ જાય છે. જેથી અરજદાર વારંવાર પ્રયત્નો કરવા છતાં ઓનલાઈન એપ્લિકેશન કરી શકતાં નથી. બીજી તરફ હજારો અરજદારો ઓનલાઈન એપોઈન્મેન્ટ લઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે ટ્રેક પર જાય છે ત્યારે સર્વર ડાઉન થવાની સમસ્યાથી હેરાનગતિ ઉભી થાય છે. લોકો લાઈનમાં ઉભા રહ્યાં પછી પાછા ફરવાનો વારો આવે છે. અરજદારોને ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ માટે અરજી કરવાની હોય છે તે પણ સર્વર ડાઉન થયાની ફરિયાદથી હેરાન થઈ ગયાં છે.

અધિકારીઓ સાચી હકીકત જણાવવાની તસ્દી પણ લેતા નથી
અમદાવાદમાં આરટીઓના અધિકારી સુત્રો તરફથી જાણવા મળ્યું હતું કે, સારથી સોફ્ટવેર સમગ્ર ભારતમાં બુકિંગ, ચૂકવણી અને ડ્રાઇવિંગ ટેસ્ટના ટાઈમ ટેબલ માટે ઉપયોગમાં લેવાય છે. તેને તાજેતરમાં અપગ્રેડ કરવામાં આવ્યું હતું. અધિકારી સુત્રોનું કહેવું છે કે તેમને આ અપગ્રેડ વિશે જાણ કરવામાં આવી ન હતી. જેના પરિણામે સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરી શકી નથી. જે અપગ્રેડ થયા પછીના તમામ પરીક્ષણોને રદ કરવા તરફ દોરી જાય છે. એક તરફ વાહનનું કાચું લાઇસન્સ એકસ્પાયર થઇ જાય અને પોલીસ કાર્યવાહી કરે તો દંડના ભોગ બનવું પડે છે. બીજી તરફ દંડથી બચવા કાચુ લાઇસન્સ રિન્યૂ કરાવી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ લઇને જાય અને જો સર્વર બંધ હોય તો વારંવાર આરટીઓના ધક્કા ખાવા પડે છે. બીજી તરફ સારથી પોર્ટલ પર મેન્ટેેનેન્સની કામગીરી ચાલુ હોવાથી આગામી 18મી મે સુધી સવારે 10 વાગ્યા સુધી સેવાઓ બંધ રહેશે તેવો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃવડોદરામાં સાયબર ક્રાઈમે શેરબજારમાં રોકાણ કરાવી ઠગતી ગેંગના 17 આરોપીઓ પકડ્યા

Back to top button