અમદાવાદ: શેરબજારમાં કાળા નાણાંને સફેદ કરવાનું રૂ.10000 કરોડનું કૌભાંડ!
- સેબીના પ્રાથમિક અહેવાલમાં કૌભાંડનો પર્દાફાશ
- કંપનીના શેર્સ વર્ષમાં 1700% ઉછળ્યા હતા
- સેબીએ પણ ભારત ગ્લોબલ ડેવલપર્સને સસ્પેન્ડ કરી
અમદાવાદ શહેરમાં શેરબજારમાં કાળા નાણાંને સફેદ કરવાનું રૂ.10000 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં શહેરમાં સ્થિત BSE પર લિસ્ટેડ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરમાં તેજી પાછળ કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
સેબીએ પણ ભારત ગ્લોબલ ડેવલપર્સને સસ્પેન્ડ કરી
ઉલ્લેખનિય કંપનીના શેર્સમાં ટ્રેડિંગ મારફત લગભગ 10000 કરોડ રૂપિયાના કાળા નાણાંને વ્હાઇટ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં એક શેર ઓપરેટરની ભૂમિકા સામે આવી છે. આ કાળા નાણાંને વ્હાઇટમાં અદલ-બદલ કરવાના કેસમાં ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ(ઇડી)ની તપાસ થવા દબાણ થઈ રહ્યું છે. સેબીએ પણ ભારત ગ્લોબલ ડેવલપર્સને સસ્પેન્ડ કરી હતી.
સેબીના પ્રાથમિક અહેવાલમાં કૌભાંડનો પર્દાફાશ
ભારત ગ્લોબલ ડેવલપર્સે દેશ-વિદેશના ટોચના ઉદ્યોગગૃહો રિલાયન્સ, ટાટા, મેકેઇન અને યુપીએલ જેવી કંપનીઓ પાસેથી રૂ. 1500 કરોડના ઑર્ડર મેળવ્યા હોવાની ખોટી જાહેરાત કરી શેર્સમાં કૃત્રિમ તેજી સર્જી હતી. નવેમ્બર 2023થી નવેમ્બર 2024 વચ્ચે શેરના ભાવ 1700 ટકા વધ્યા હતા. શેરનો ભાવ છેલ્લા એક વર્ષમાં 16-14થી વધી 28 નવેમ્બર 2024ના રોજ 1072.95 બંધ આવ્યો હતો. એટલું જ નહીં ઑક્ટોબરથી નવેમ્બરના એક જ મહિનામાં ભાવ 642થી વધી 1702.95 થઈ ગયો હતો.
સેબીએ ઓપરેટર અને તેમના મળતિયા ઉપર પ્રતિબંધ મૂકી વઘુ તપાસ શરૂ કરી
સેબીએ સોમવારે એક ઇન્ટરિમ ઑર્ડરમાં કંપનીના શેર ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મૂકવા ઉપરાંત 41 જેટલા ઓપરેટર અને તેમના મળતિયા ઉપર પ્રતિબંધ મૂકી વઘુ તપાસ શરૂ કરી છે. સેબીના ઇન્ટરિમ ઑર્ડર અનુસાર આ ઓપરેટર્સે રૂ. 271.58 કરોડની કમાણી આ શેરના ટ્રેડિંગમાં કરી ઘરભેગી કરી છે. સેબીના અહેવાલ અનુસાર 2012થી 2023 સુધી સામાન્ય ટર્નઓવર ધરાવતી આ કંપનીએ ઑક્ટોબર 2024માં અચાનક મોટા ઑર્ડર મેળવ્યા હોવાનું જણાવ્યું હતુ. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે જામનગરમાં ડેટાલિક ક્રેકર યુનિટનો રૂ. 120 કરોડનો પ્રોજેક્ટ મેળવ્યો હોવાની ખોટી જાણ કરી હતી. તેમજ ટાટા, મેકેઇન, યુપીએલ જેવા દેશના અગ્રણી ઉદ્યોગગૃહો પાસેથી રૂ. 1500 કરોડના કુલ સાત ઑર્ડરો મળ્યા હોવાની ખોટી જાહેરાતો કરી શેરના ભાવમાં તેજી લાવી હતી.
કંપનીએ ચાર વખત નામ બદલ્યા હતા
વર્ષ 1992માં પરફેક્ટ વિવર્સ તરીકે નોંધાયેલી આ કંપનીએ ચાર વખત પોતાના નામ બદલાવ્યા છે. કંપનીએ ટેક્સટાઈલ્સના મૂળ ધંધાને બદલે બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યુએનર્જી જેવા પ્રોજેક્ટના ઉદ્દેશમાં પણ ફેરફાર કર્યો હતો. શ્રેણીબદ્ધ સબસીડયરી ઊભી કરી વ્યાપક વિસ્તરણની જાહેરાતો પણ કરી હતી. બીજી તરફ, કાળા નાણાંને ધોળા કરવાના આયોજનબદ્ધ કાવતરા હેઠળ કાળા ઓપરેટર અને તેના મળતિયાને માર્ચ 2024માં રૂ. 10ના ભાવે અને ઓક્ટોબર 2024માં રૂ. 121ના ભાવે પ્રેફરન્સ શેર એલોટ કરી દીધા હતા. આ ઉપરાંત એક જ ઝાટકે પ્રમોટરના બદલે 99 ટકા જેટલા માત્ર ઓપરેટરોએ ફાળવી દીધા હતા. બજારમાં માત્ર જૂજ લોકો પાસે શેર હોય તો ભાવમાં વધઘટ કરવી સરળ બને છે.
આવકવેરા અને ઇડીએ તપાસ કરી સમગ્ર કૌભાંડ બહાર લાવવું જોઇએ
બજારના સૂત્રોનું માનવું છે કે આ કંપનીના શેરમાં એક વર્ષમાં આવેલી 1700 ટકાની તેજીમાં લગભાગ રૂ. 10,000 કરોડના કાળા નાણાંની હેરફેર થઇ અને ઓપરેટરોએ તેને નફારૂપે ઘરભેગા કરી દીધા છે. સેબીના ચોંકાવનારા પ્રાથમિક તપાસના રિપોર્ટ બાદ હવે આ કેસમાં આવકવેરા અને ઇડીએ તપાસ કરી સમગ્ર કૌભાંડ બહાર લાવવું જોઇએ.
આ પણ વાંચો: અમદાવાદ: વિદેશ મોકલવાના નામે ગઠિયાએ સોશિયલ મીડિયાથી લોકોને ટાર્ગેટ કર્યા