અમદાવાદ : માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ, લોકોને સમજાવવામાં આવશે ટ્રાફિકના નિયમો


રાજ્યમાં 11 જાન્યુઆરીથી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો અને 17 જાન્યુઆરી સુધી ઉજવણી કરવામાં આવનાર છે. માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતતા વધારવા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ગઈકાલે આ સપ્તાહની ઉજવણી અંતર્ગત શહેરના આલ્ફા વન મોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ, ટ્રાફીક વિભાગ તેમજ આરટીઓના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. જેને શહેર ટ્રાફીક ડીસીપી નરેન્દ્ર ચૌધરીએ ખુલ્લો મુક્યો હતો.
વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી
આ તકે શહેર પોલીસ દ્વારા વસ્ત્રાપુર ખાતે એક વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં હેલ્મેટમાં સ્થિત પોલીસકર્મીઓએ બેનર સાથે લોકોને ટ્રાફીકના નિયમોથી અવગત કર્યા હતા. આ સંદર્ભે રાજ્ય માર્ગ-વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકાર માર્ગ અકસ્માતો ઘટાડી, માર્ગ સલામતી વધારવા કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, દર વર્ષે રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત થાય છે અને જીવ પણ ગુમાવે છે. આ કારણોસર લોકો સુધી માર્ગ સલામતીનો સંદેશ પહોંચાડવો આવશ્યક છે.
આખું અઠવાડિયું જુદા-જુદા કાર્યક્રમો યોજાશે
આ સપ્તાહ દરમિયાન જિલ્લા અને શહેર માર્ગ સલામતી સમિતિઓ દ્વારા આર.ટી.ઓ., પોલીસ, આરોગ્ય, માર્ગ અને મકાન, નેશનલ હાઇવે ઓથોરીટી તથા શિક્ષણ વિભાગની કચેરીઓ સાથે સંકલનમાં રહીને શેરી નાટકો, સેમીનાર, વર્કશોપ, તાલીમ કાર્યક્રમો, તથા માર્ગ સલામતી મેળાઓ અને ટ્રફિક નિયમોની જાણકારી અંગે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ: કાંકરિયામાં બાળકોને સવારે 9થી 12 સુધી ઝૂમાં વિનામૂલ્યે પ્રવેશ