

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં RMO તરીકે ફરજ બજાવતા ડોક્ટર કૌશિક બારોટની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને હોસ્પિટલ અને અન્ય લોકોની બદનામી કરતા હતા. ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં આ પ્રકારે પોસ્ટ કરતા હોવાથી હોસ્પિટલના ડાયરેક્ટર આરકે પટેલે આ અંગેની જાણ અમદાવાદ સાયબર ક્રાઇમને કરતાં ક્રાઈમ બ્રાંચે ડૉકટર કૌશિક બરોટની ધરપકડ કરી છે.
અહીં ટ્રીટમેન્ટ કરવી સારી નથી એવું લખતા હતા
અમદાવાદ સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાએ જણાવ્યું હતું કે ડોકટર કૌશિક બારોટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં RMO તરીકે ફરજ બજાવે છે. તેઓ ઘણા સમયથી યુ. એન. મહેતા હોસ્પિટલ વિશે ખરાબ લખાણ લખતા હતા તેમજ અહીં ટ્રીટમેન્ટ કરવી સારી નથી એવું લખતા હતા. તેમની ધરપકડ બાદ માલૂમ પડ્યું કે તેઓ બીજાના નામે સિમકાર્ડ રાખતા હતા.
મોબાઈલ નંબર ન દેખાય અને યુવતીનો અવાજ જાય તેવી એપ્લિકેશનનો ઉપયોગ કરતા
DCP અમિત વસાવાએ વધુમાં જણાવ્યું કે તેઓ મોબાઈલમાં એવી એપ્લિકેશન રાખતા હતા કે જેમાં સામેવાળી વ્યક્તિને ફોન કરો તો મોબાઈલ નંબર ન દેખાય અને પોતાની જગ્યાએ યુવતીનો અવાજ જાય, જેનાથી પોતે સાણસામાં ન આવે અને બીજા કોઈની બદનામી થાય. હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.