

હાલ ગુજરાતભરમાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે, જેના કારણે નદી, ડેમ, જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે વરસાદના પગલે અન્ય ડેમોનું પાણી સાબરમતીમાં છોડાતા જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા કેનાલમાં સંત સરોવર અને ધરોઈ ડેમનું કુલ 75 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જ્યારે નર્મદામાંથી 3000 ક્યુસેક અને સંત સરોવરમાંથી 12 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.

જેના કારણે આવતીકાલે વહેલી સવારે સાબરમતી નદીમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળશે. જ્યાં સુધી પાણી નહીં વહી જાય ત્યાં સુધી સાબરમતી રિવરફ્રન્ટ વોકવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને સાબરમતી નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નદીનું જળસ્તર ઉતરે નહી ત્યાં સુધી વોક વે બંધ રહેશે તેમ તંત્રના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ધરોઈ ડેમનું સ્તર વધતાં અમદાવાદ સહિત 7 જિલ્લાના નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર