અમદાવાદ : પ્રોપર્ટી ટેકસ વ્યાજમાફી સ્કીમ, રહેણાંક માટે 100 કોમર્શિયલ મિલકતમાં 75 ટકા


- કરવેરો નહીં ભરનારાની મિલકત સીલ કરવાની ઝૂંબેશ ચાલુ રખાશે
- સ્કીમના પહેલા દિવસે જાહેર રજા હોવાથી ઓનલાઈન કાર્યવાહી કરાશે
- અગાઉ કોર્પોરેશને રૂપિયા ૧૨૦૦ કરોડની આવક પ્રોપર્ટી ટેકસ પેટે મેળવી હતી
અમદાવાદમાં ૧૪થી ૩૧ માર્ચ-૨૫ સુધી વર્ષ-૨૦૨૪ અગાઉનો બાકી મિલકતવેરો ભરનારા રહેણાંક મિલકતના કરદાતાને વ્યાજમાં ૧૦૦ ટકા જયારે કોમર્શિયલ મિલકતનો બાકી મિલકતવેરો ભરપાઈ કરનારા કરદાતાને વ્યાજમાં ૭૫ ટકા માફી અપાશે.
સ્કીમના પહેલા દિવસે જાહેર રજા હોવાથી ઓનલાઈન કાર્યવાહી કરાશે
વ્યાજમાફીની સ્કીમના અમલની સાથે બાકી કરવેરો નહીં ભરનારાની મિલકત સીલ કરવાની ઝૂંબેશ ચાલુ રખાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની જુની અને નવી ફોર્મ્યુલા અંતર્ગત વર્ષ-૨૦૨૪ પહેલાનો બાકી મિલકતવેરો ભરનારાઓને વ્યાજમાં માફી આપવાનો રેવન્યુ કમિટીમાં નિર્ણય કરાયો હતો. કમિટી ચેરમેને જણાવ્યું કે સ્કીમના પહેલા દિવસે જાહેર રજા હોવાથી ઓનલાઈન કાર્યવાહી કરાશે. જે પછીથી તમામ દિવસ દરમિયાન કરદાતાઓ વિવિધ સિવિક સેન્ટર ઉપર પણ તેમનો બાકી મિલકતવેરો ભરી વ્યાજમાફીનો લાભ મેળવી શકશે.
મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા ૧૨૦૦ કરોડની આવક પ્રોપર્ટી ટેકસ પેટે મેળવી હતી
વર્તમાન વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ટેકસની આવક રૂપિયા બે હજાર કરોડનો આંક વટાવી ગઈ છે. વ્યાજમાફી સ્કીમનો અમલ કરવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રોપર્ટી ટેકસની આવકમાં અંદાજે રૂપિયા ૨૫૦ કરોડનો વધારો થશે. છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેકસને લઈ આપવામાં આવેલી વ્યાજમાફી સ્કીમ હેઠળ કરદાતાઓને રૂપિયા ૩૧૭ કરોડ જેટલુ રીબેટ આપવામાં આવ્યુ હતુ. જેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશને રૂપિયા ૧૨૦૦ કરોડની આવક પ્રોપર્ટી ટેકસ પેટે મેળવી હતી.