ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા મિલકતવેરો નહીં ભરનાર બાકીદારો સામે લીધો આકરો નિર્ણય

  • જુદા જુદા ઝોનમાં આવેલી 21 મિલકતો પર બોજ મૂકવામાં આવ્યો
  • પૂર્વ ઝોનમાં સૌથી વધુ 6 મિલકત પર બોજો મૂકાયો છે
  • 30થી 60 દિવસમાં કરદાતાએ મામલતદારને જવાબ આપવાનો રહેશે

અમદાવાદમાં AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા મિલકતવેરો નહીં ભરનાર બાકીદારો સામે આકરો નિર્ણય લીધો છે. જેમાં મ્યુનિ.-ટેક્સ નહીં ભરનાર 33 મિલકત પર બોજ મુકાશે. તેમાં 4 કરોડથી વધુનો ટેક્સ બાકી તેવી 21 મિલકત પર બોજ મૂકાયો છે. ત્યારે પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં વસૂલવા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. કેરટેલ ઈન્ફોટેકનો સૌથી વધુ રૂ. 55 લાખનો ટેક્સ હજુ બાકી છે.

આ પણ વાંચો: ગુજરાત: GST રજિસ્ટ્રેશન પર થતુ મનીલોન્ડરિંગ અટકાવવા માટે સરકારે લીધા આકરા પગલા 

જુદા જુદા ઝોનમાં આવેલી 21 મિલકતો પર બોજ મૂકવામાં આવ્યો

AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા મિલકતવેરો નહીં ભરનાર બાકીદારોની જુદા જુદા ઝોનમાં આવેલી 21 મિલકતો પર બોજ મૂકવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા જુદા જુદા ઝોનમાં રૂ. 4 કરોડ, 16 લાખથી વધુ રકમનો બાકી મિલકતવેરો ધરાવતી 33 મિલકતો પર બોજ મૂકવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા 33 મિલકત પર બોજ મૂકવાની હાથ ધરાયેલી કાર્યવાહીમાં લક્ષ્મીનારાયણ કો.ઓપ. હા. સોસા. લિ.ના માલિક CARETEL INFOTECH LTD.નો રૂ.55 લાખ, 30 હજારનો સૌથી વધુ રકમનો ટેક્સ બાકી છે અને તેની 4 મિલકતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદની સરકારી હોસ્પિટલમાં જિનેટીક રોગોનું નિદાન-ઉપચાર શરૂ, જાણો કેવી રીતે મળશે સુવિધા

પૂર્વ ઝોનમાં સૌથી વધુ 6 મિલકત પર બોજો મૂકાયો છે

કલેક્ટરની કચેરીના રેકર્ડમાં બાકી પ્રોપર્ટી ટેક્સની રકમનો બોજા તરીકે નોંધવાને પગલે પ્રોપર્ટી ટેક્સની રકમ વ્યાજ અને પેનલ્ટી સાથે ન ભરાય ત્યાં સુધી કલેક્ટરના રેવન્યુ રેકર્ડમાં જે તે મિલકતમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં. પૂર્વ ઝોનમાં સૌથી વધુ 6 મિલકત પર બોજો મૂકાયો છે. મ્યુનિ. દ્વારા આગામી દિવસોમાં પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં વસૂલવા કડક પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો: પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે ખાનગી વાહન લઇ જનારા માટે ખાસ સમાચાર 

30થી 60 દિવસમાં કરદાતાએ મામલતદારને જવાબ આપવાનો રહેશે

રેવન્યુ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, AMC દ્વારા મિલકતવેરો ભરવા અંગે વારંવાર નોટિસો આપવા છતાં ધરાર ટેક્સ નહીં ભરનાર બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવે છે અને આ પ્રકારના બાકીદારોને છેલ્લી ચેતવણીની નોટિસ ફટકારીને ત્યારપછી GPMC એક્ટની કલમ- 42, 43 હેઠળ ટાંચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરીને મિલકત સીલ કરવામાં આવે છે અને ત્યારપછી કાયદાની જોગવાઈ અંતર્ગત મિલકતની હરાજીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ પ્રકારે મિલકત બોજ નોંધવાયા પછી તેના આધારે રેવન્યુ રેકર્ડમાં બોજ (કાચી નોંધ) દાખલ કરાયા પછી 30થી 60 દિવસમાં કરદાતાએ મામલતદારને જવાબ આપવાનો રહેશે.

Back to top button