અમદાવાદ : વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ રીતે સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્કલેવનું ઉદ્દઘાટન કરતાં ભારપૂર્વક જણાવ્યું કે, આ કોન્કલેવનું આયોજન સબકા પ્રયાસનું સ્પષ્ટ ઉદાહરણ છે. સાયન્સ સીટીમાં યોજાયેલી આ કોંકલેવમાં દેશના વિવિધ રાજ્યોના સાયન્સ – ટેકનોલોજી મંત્રીઓ તથા સચિવો સહભાગી થયા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે, 21મી સદીના ભારતના વિકાસમાં વિજ્ઞાન એ ઊર્જા સમાન છે, જે દરેક ક્ષેત્રના વિકાસ અને દરેક રાજ્યના વિકાસને વેગ આપવાની શક્તિ ધરાવે છે, આજે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના વિજ્ઞાન અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં વહીવટ અને નીતિ નિર્માણમાં લોકોની જવાબદારી નોંધપાત્ર રીતે વધી જાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઇતિહાસમાંથી આપણે જે પાઠ શીખી શકીએ છીએ તે કેન્દ્ર અને રાજ્યો બંનેને મદદરૂપ થશે
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે વિજ્ઞાન એ ઉકેલો, ઉત્ક્રાંતિ અને નવીનતાનો આધાર છે. અને આ પ્રેરણાથી જ આજનો નવો ભારત જય જવાન જય કિસાન, જય વિજ્ઞાન તેમજ જય અનુસંધાન સાથે આગળ વધી રહ્યો છે. ઇતિહાસમાંથી આપણે જે પાઠ શીખી શકીએ છીએ તે કેન્દ્ર અને રાજ્યો બંનેને મદદરૂપ થશે તેનો વિશેષ ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ કહ્યું કે, જો આપણે છેલ્લી સદીના શરૂઆતના દાયકાઓને યાદ કરીએ, તો આપણને ખબર પડે છે કે વિશ્વ કેવી રીતે વિનાશ અને દુર્ઘટનાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ તે યુગમાં પણ પૂર્વ હોય કે પશ્ચિમ, દરેક જગ્યાએ વૈજ્ઞાનિકો તેમની મહાન શોધમાં વ્યસ્ત હતા. પશ્ચિમમાં આઈ સ્ટાઈન, ફર્મી, મેક્સ પ્લાન્ક, નીલ્સ બોહર અને ટેસ્લા જેવા વૈજ્ઞાનિકો પોતાના પ્રયોગોથી દુનિયાને ચમકાવી રહ્યા હતા. તે જ સમયગાળામાં, સીવી રામન, જગદીશ ચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ, મેઘનાદ સાહા અને એસ ચંદ્રશેખર સહિત ઘણા વૈજ્ઞાનિકો તેમની નવી શોધો સામે લાવી રહ્યા હતા.
દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની ઉજવણી કરવા અનુરોધ કરતા પીએમ
પીએમએ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના તફાવતને રેખાંકિત કર્યો કારણ કે આપણે આપણા વૈજ્ઞાનિકોના કાર્યને યોગ્ય માન્યતા આપી રહ્યા નથી, વડાપ્રધાનએ ધ્યાન દોર્યું કે જ્યારે આપણે આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ, ત્યારે વિજ્ઞાન આપણા સમાજનો ભાગ બની જાય છે, તે સંસ્કૃતિનો ભાગ બની જાય છે. વડાપ્રધાન મોદીએ દરેકને આપણા દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.
સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની વિચારસરણી સાથે કરે છે કામ
વડાપ્રધાનએ કહ્યું વૈજ્ઞાનિકો દેશને તેમની ઉજવણી કરવા માટે પૂરતા કારણો આપી રહ્યા છે, તેમણે કોરોના રસી વિકસાવવામાં અને વિશ્વની સૌથી મોટી રસી અભિયાનમાં યોગદાન આપવા માટે ભારતીય વૈજ્ઞાનિકોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. વડાપ્રધાનએ પુનરોચ્ચાર કર્યો હતો કે સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની વિચારસરણી સાથે કામ કરી રહી છે. 2014થી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારના પ્રયાસોને કારણે આજે ભારત વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સમાં 46મા ક્રમે છે, જ્યારે 2015માં ભારત 81મા ક્રમે હતું તેમ તેઓએ ઉમેર્યું હતું.