અમદાવાદ: પોલીસ સતત 24 કલાક નહીં કરી શકે નોકરી, જાણો કેમ પોલીસ કમિશનરે આદેશ કર્યો


- કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે તેવો પરિપત્ર પોલીસ કમિશનરે જાહેર કર્યો
- આ પ્રકારની કાર્ય પદ્ધતિ પોલીસ કર્મચારીની શારીરિક, માનસિક સ્થિતિ પર વિપરિત અસર પાડે છે
- કર્મચારીઓએ કોઈપણ સંજોગોમાં 24 કલાકની સળંગ શિફ્ટની ફરજ બજાવવાની રહેશે નહીં
અમદાવાદ પોલીસ કમિશનર કચેરી સામે જ જાહેરમાં ત્રણ પોલીસ ડ્રાઇવર દારૂ પીતા પકડાયા હતા. આ ત્રણ પોલીસ કર્મચારી સતત 24 કલાકની નોકરી કરી ઘરે જતાં હોવાની વિગતોથી પોલીસ કમિશનરે એક આદેશ કર્યો છે. આ આદેશ મુજબ પોલીસ સતત 24 કલાક નોકરી કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. પોલીસ વાન અને પી.આઇના ડ્રાઇવર તેમજ ડ્યૂટી સ્ટાફને 12 અને 8 કલાકની શિફ્ટમાં જ નોકરી કરવા આદેશ અપાયો છે.
આ પ્રકારની કાર્ય પદ્ધતિ પોલીસ કર્મચારીની શારીરિક, માનસિક સ્થિતિ પર વિપરિત અસર પાડે છે
પોલીસ કમિશનર જી.એસ મલિકે જાહેરનામું રજૂ કરી જણાવ્યું છે કે, અમદાવાદના અમુક પોલીસ સ્ટેશનોમાં સતત 24 કલાક સુધીની શિફ્ટની નોકરી કરવામાં આવે છે અને બીજા દિવસના 24 કલાકનો ઓફ લેવામાં આવે છે. આ પદ્ધતિ અમુક પોલીસ સ્ટેશનની ફર્સ્ટ અને સેકન્ડ મોબાઇલ વાનના ડ્રાઇવરો અને પીસીઆરમાં જોવા મળે છે. આ પ્રકારની કાર્ય પદ્ધતિ પોલીસ કર્મચારીની શારીરિક, માનસિક સ્થિતિ પર વિપરિત અસર પાડે છે. સતત 24 કલાકની ફરજના કારણે કાયદો-વ્યવસ્થાના પ્રશ્નોને ત્વરિત અને અસરકારક ન્યાય આપી શકાતો નથી. જેથી, અમદાવાદમાં ટ્રાફિક સહિતના કોઈપણ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓએ કોઈપણ સંજોગોમાં 24 કલાકની સળંગ શિફ્ટની ફરજ બજાવવાની રહેશે નહીં.
કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે તેવો પરિપત્ર પોલીસ કમિશનરે જાહેર કર્યો
પોલીસ સ્ટેશનની ફર્સ્ટ મોબાઇલ, સેકન્ડ મોબાઇલ, કેદી જાપ્તા મોબાઇલ, પીસીઆર અને શી ટીમની ગાડીઓ તથા અન્ય વાહનોમાં ફરજ બજાવતાં ડ્રાઇવર સહિતના કર્મચારીઓ પાસે બંદોબસ્ત કે ખૂબ અછત હોય તો જ 12 કલાકની શિફ્ટવાઇઝ નોકરીની વહેંચણી કરવી જોઇએ. પોલીસ સતત 24 કલાક નોકરી કરે તો સુપરવાઇઝરી અધિકારીઓએ રિપોર્ટ કરવો પડશે. આવા કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે તેવો પરિપત્ર પોલીસ કમિશનરે જાહેર કર્યો છે.
આ પણ વાંચો: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં દીપડાએ 7 વર્ષના બાળકનો જીવ લીધો