અમદાવાદઃ AMCમાં 7508 જેટલા ઓડીટ વાંધા પૈકી 512 વાંધાનો નિકાલ; 6996 વાંધા બાકી; હિસાબ આપવામાં ભાજપ નિષ્ફળ: કોંગ્રેસ

1 ફેબ્રુઆરી 2025 અમદાવાદ: AMC વિરોધ પક્ષ નેતા શહેઝાદ ખાન પઠાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 7508 જેટલા ઓડીટ વાંધા પૈકી માત્ર 512 વાંધાનો નિકાલ કરી બાકી વાંધા 6996 નો નિકાલ કરવામાં તંત્ર નીરસતા દાખવી રહ્યું છે એનો મતલબ એમ થાય છે કે અહીંયા મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેમણે વધુમાં શું જણાવ્યું જાણીએ વિગતવાર!
કરોડો રૂપિયાનું બજેટ, નિકાલ ક્યારે?
કોંગ્રેસ વિપક્ષ નેતા જણાવ્યું હતું કે સને ૨૦૨૩-૨૪ના વર્ષનો ઓડીટ અહેવાલ તા.૧૬-૦૧-૨૫ના રોજ મળેલ સ્ટે.કમિટી સમક્ષ મંજુરી અર્થે મુકેલ છે તેમાં જણાવેલ મુજબ તા.૦૧-૪-૨૩ થી તા.૩૧-૩-૨૪ સુધીમાં ૭૫૦૮ વાંધાઓ કાઢવામાં આવેલ તે પૈકી માત્ર ૫૧૨ વાંધાનો નિકાલ કરવામાં આવ્યો છે તા.૩૧-૦૫-૨૪ સુધીમાં અમદાવાદ મ્યુ.કોર્પોના વિવિધ ખાતાના હાલ કુલ ૬૯૯૬ જેટલાં વાંધાનો નિકાલ બાકી છે. ત્યારે ભાજપના શાસકો દ્વારા ભષ્ટ્રાચારને છાવરવા માટે ઓડીટ ડીર્ષા દ્વારા કાઢેલ વાંધાઓના નિકાલ તાકીદે થાય તે માટે કોઇ કાર્યવાહી કરેલ નથી, જે નવાઈ જનક હોવાની સાથે ઓડીટ વાંધાના નિકાલ બાબતે સત્તાધારી ભાજપ ઉદાસીન છે તે સ્પષ્ટ થાય છે. અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં અને પ્રોજેક્ટોમાં વ્યાપક પ્રમાણમાં ભષ્ટ્રાચાર ચાલે છે. તે ઓડીટ અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે. સત્તાધારી ભાજપ કરોડો રૂપિયાનુ બજેટ મંજુર કરે છે પરંતુ તેનો સમયસર હિસાબ આપવામાં સત્તાધારી ભાજપ નિષ્ફળ સાબિત થાય છે.
કેટલા વાંધા, કેટલો નિકાલ કરાયો જાણો
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગત વર્ષના વાર્ષિક અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ આ એક રૂટિન વિધિવિધાન કે કર્મકાંડ હોય તે રીતે અહેવાલ જાહેર થયાં બાદ કોઇ તેને ગંભીરતાથી લીધું હોય તેમ જણાતું નથી, મુખ્યત્વે ઉત્તર ઝોન ટેક્ષના ૯૯૭ વાંધા કાઢવામાં આવ્યા માત્ર ૨ વાંધાનો નિકાલ કરેલ છે અને ૯૯૫ વાંધાનો નિકાલ બાકી છે. તેવી જ રીતે, ઈજનેર મધ્યઝોનના ૮૯૦ વાંધા પૈકી એકપણ વાંધાનો નિકાલ કરેલ નથી, તમામ ૮૯૦ વાંધાનો નિકાલ બાકી છે. ઇજનેર પશ્ચિમ ઝોનના ૫૬૬ વાંધા કાઢવામાં આવ્યા માત્ર ૨ વાંધાનો નિકાલ કરેલ છે. ઈજનેર ઉત્તર ઝોનના ૪૦૨ વાંધા પૈકી ૪ વાંધાનો નિકાલ કરેલ ૩૯૬ વાંધાનો નિકાલ બાકી ઇજનેર દક્ષિણ ઝોનના ૫૦૬ વાંધા પૈકી ૭૯ વાંધાનો નિકાલ કરેલ ૪૨૭ વાંધાનો નિકાલ બાકી ૪૨૭, ઇજનેર પૂર્વ ઝોનના ૩૮૬ વાંધા પૈકી ૫૩ વાંધાનો નિકાલ કરેલ ૩૩૩ વાંધાનો નિકાલ બાકી, હેલ્થ મધ્યઝોનના એક પણ વંધાનો નિકાલ કરેલ નથી. તમામ ૪૫૭ વાધાંનો નિકાલ બાકી છે .જેથી એનો અર્થ એ થાય છે કે વાર્ષિક અહેવાલ પ્રસિધ્ધ થતા બાદ કોઈ તેને ગંભીરતાથી લેતું નથી તે સ્પષ્ટ થવા પામે છે.
વાંધાનો નિકાલ ન કરવા બાબતે કાર્યવાહી કરો
વિરોધ પક્ષે માંગ કરી હતી કે મ્યુ.કોર્પોના વિવિધ ખાતાના કામો બાબતે ઓડીટ ખાતા દ્વારા જે વાંધા કાઢવામાં આવે છે તે વાંધાનો નિકાલ કરવા સમયમર્યાદા નિયત કરવી જોઇએ. અને તેનો દરેક ખાતા દ્વારા ચોક્કસ અમલ થવો જોઇએ. તેમજ હાલ બાકી રહેલ વાંધાનો ત્વરીત નિકાલ કરવામાં આવે તેવી વ્યવસ્થા તાકીદે ગોઠવવા મ્યુ.ચીફ ઓડિટર દ્વારા કાઢવામાં આવેલ વાધાંનો સમયસર નિકાલ કરવા બાબતે જે કોઈ કસુરવાર હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.