અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતધર્મમધ્ય ગુજરાતવિશેષ

અમદાવાદઃ સંત સાહિત્યપર્વના અનોખા કાર્યક્રમનું આયોજન, જાણો ક્યાં સુધી લાભ લઈ શકશો?

અમદાવાદ, 1 જાન્યુઆરી, 2025: શહેરમાં આજથી એટલે કે પહેલી જાન્યુઆરીથી સંત સાહિત્ય પર્વ નામે એક વિશિષ્ટ અને અનોખા કાર્યક્રમનું આયોજન થયું છે. ગુજરાતના સંતોએ રચેલા સાહિત્ય અંગેનો આ સંવાદ પ્રથમ વખત યોજાઈ રહ્યો છે જેમાં રાજ્યના સંત સાહિત્યના જાણકાર વિદ્વાનો સળંગ પાંચ દિવસ સુધી અલગ અલગ સંતો વિશે તેમજ તેમના સાહિત્ય વિશે વાત કરશે.

તા. ૦૧થી ૦૫ જાન્યુઆરી,૨૦૨૫ સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સંત સાહિત્યપર્વ‘નું આયોજન કરવામાં આવ્યું છે. ‘સંત સાહિત્યપર્વ’ના પ્રથમ દિવસે તા.૦૧ જાન્યુઆરી, બુધવારના રોજ સંત ‘બ્રહ્માનંદ‘ વિશે સાહિત્યકાર નરેશ વેદે અને સંત ‘પ્રેમસખી પ્રેમાનંદ‘ વિશે પ્રો. રમજાન હસણિયાએ મનનીય વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંત સાહિત્ય પર્વ - HDNews

સંત બ્રહ્માનંદ તથા તેમના સાહિત્ય વિશે વાત કરતા નરેશ વેદે કહ્યું હતું કે, 12મી સદીમાં થઈ ગયેલા આ કવિની વ્યક્તિત્વની સંપત્તિ સાથે બૌદ્ધિક સંપત્તિ પણ ઉત્તમ હતી. તેઓમાં નાનપણથી જ આ કવિત્વના સંકેતો મળતા હતા. આબુ પાસેના એક ગામના આ કવિનું નાનપણનું નામ લાડુ હતું. તેમની પ્રતિભા જોઈ રાજાએ અભ્યાસ માટે બીજે મોકલવાની તત્પરતા બતાવી પણ મા-બાપે છેક સત્તર વર્ષે એ મંજૂરી આપી. કચ્છમાં લખપતરાય નામની પાઠશાળામાં તેઓ દસ વર્ષ રહ્યા અને અભયદાનજી નામના શિક્ષકના માનીતા પણ રહ્યા.

સાહિત્યકાર શ્રી વેદે માહિતી આપી કે, એ પછી સંત બ્રહ્માનંદ સૌરાષ્ટ્રના પ્રવાસે લોકશાસ્ત્રના અભ્યાસ માટે તેઓ નીકળ્યા. જ્યાં અનેક વિદ્યાઓ શીખ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ જાણી ચકાસવા માટે ગયા અને ઘનશ્યામજીની પહેલી મુલાકાતમાં જ સમાધિસ્થ થયા. વિશ્વાસ જાગ્યો એ બાદ જૂનાગઢના રાજા તેમના શિષ્ય હોવાથી ચતુરાઈ વડે ત્યાં ભવ્ય મંદિર બનાવવા માટે રાજાને મનાવ્યા. અમદાવાદ, ગઢડા, વડતાલનાં મંદિરો પણ તેમની દેખરેખ હેઠળ બન્યાં. શ્રીજી મહારાજે તો તેમનું માતૃત્વ સ્વીકારીને તેમને પોષ્યા. તેમના 10 વર્ષના સર્જનકાળમાં ઇયત્તા અને ગુણવત્તા બને જણાઈ આવે છે. હિન્દી, ગુજરાતી, ચારણી, કચ્છી, વ્રજ અને સંસ્કૃત ભાષામાં તેમણે અસંખ્ય રચનાઓ કરી.

આ સંત શિક્ષાપત્રીના રચયિતા છે જે હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં રચી. તેમના કેટલાય ગ્રંથો હજુ અપ્રકાશિત છે. પૂર્ણ પુરષોત્તમ એટલે શ્રીકૃષ્ણ અને પુરષોત્તમ એટલે ઘનશ્યામ સ્વામી. આ બંને વિશે તેમણે અસંખ્ય પદો રચ્યાં. તેમની રચનાઓમાં છંદના દરેક કુળનો પરિચય સાથે રાગ – રાગિણીઓનો પણ પરિચય મળે છે. સંન્યાસ લેવા માટે તૈયાર થયા ત્યારે જેની સાથે સગપણ થયું હતું તે જ્યારે કાકલૂદી કરે છે ત્યારે બ્રહ્માનંદ કહે છે, રે સગપણ હરિવર સાથે સાચું…અને તેઓ તેમ પણ કહે છે કે વિઠ્ઠલને વરવું છે નહિતર મરવું છે…તેમણે શ્રીકૃષ્ણની દરેક લીલાનાં પદો રચ્યાં, ડાકોરના રણછોડરાય ઉપર પણ અનેક રચનાઓ કરી. તે ઉપરાંત ધર્મની ઘેલછા અને આડંબર પર એક દીર્ઘ રચના કરી જેનું નામ છે, ધર્મભક્તિ શ્રાપ કથન.

સંત સાહિત્ય પર્વ - HDNews

પ્રેમસખી પ્રેમાનંદ વિશે વાત કરતાં રમજાન હસણિયાએ એમના વક્તવ્યમાં કહ્યું કે આ સંત મધ્યકાલીન પ્રેમલક્ષણાભક્તિનું ગાન કરનાર પ્રથમ હરોળના કવિ છે. ઈયતા અને ગુણવત્તા એમ ઉભય દૃષ્ટિએ તેમના કવનની સરાહના કરી તેમના વિભિન્ન વિષયો પરના કાવ્યોની સદૃષ્ટાંત વાત કરી હતી.

પ્રેમસખીનું બિરુદ પામેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુકવિ પ્રેમાનંદના જીવનની વિગતો આપીને પ્રો. રમજાન હસણિયાએ એમના બાળલીલા, દાણલીલા, કૃષ્ણ મિલન -વિરહ આદિના કાવ્યોનું વિશેષપણું દર્શાવી આપ્યું હતું. સ્ત્રીસહજ મનોભાવોને પુરુષ કવિ દ્વારા આટલી ઉત્તમતાપૂર્વક પ્રગટ કરવામાં આવે અને સમાજ દ્વારા એનો સ્વીકાર થાય એમાં સહજાનંદસ્વામીની આધુનિક વિચારશરણીની એમણે સરાહના કરી હતી. આવા કવિઓના ઉત્તમ સંપાદકોએ કરેલ સંશોધનાત્મક સંપાદનો ફરી પ્રકાશિત કરવાની પણ તેમણે હાકલ કરી હતી.

સંત સાહિત્ય પર્વ - HDNews

આ પણ વાંચોઃ જૂનાગઢઃ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અંગે અગત્યના સમાચારઃ જાણો

Back to top button