અમદાવાદ : સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન-ટેકનોલોજી તેમજ ઇનોવેશન કેમ્પનું આયોજન
- તા.16 થી 19 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે કેમ્પ
- રાજ્યભરમાંથી 467 રજીસ્ટ્રેશન થયા
- કુલ 300 વ્યક્તિઓની કરાઈ પસંદગી
અમદાવાદ, 15 ફેબ્રુઆરી : ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે તા. 16 થી 19 ફેબ્રુઆરી સુધી સુનિશ્ચિત થયેલ STI R&D કેમ્પમાં રીસર્ચ સ્કોલર, Ph.D સહિતનાં વિવિધ ક્ષેત્રોમાંથી લગભગ 300 જેટલા સંશોધન વિદ્વાનો, શિક્ષકો અને સંશોધન વૈજ્ઞાનિકનું રજીસ્ટ્રેશન થયેલ છે. રાજ્યભરમાંથી કુલ 467 રજીસ્ટ્રેશનમાંથી 300 જણાને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાતના 11 જિલ્લાઓમાં 60 રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ/યુનિવર્સિટીઓ, કોલેજોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાંથી 150 પુરૂષો અને 131 સ્ત્રીઓનો સમાવેશ કરીને કુલ 281 સહભાગીઓની આ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવી છે, જે સંતુલિત પ્રતિનિધિત્વને પ્રતિબિંબિત કરે છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ ગુજરાતમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન (STI) નીતિના અમલીકરણ માટેની નોડલ એજન્સી, GUJCOST, તેના પ્રકારની પ્રથમ STI R&D કેમ્પની શરૂઆત કરતાં ગર્વ અનુભવે છે. આ અનોખી પહેલનો ઉદ્દેશ્ય યુવા સંશોધકોમાં સંશોધન અને નવીનતાની સંસ્કૃતિને પ્રેરિત કરવાનો અને વિકસાવવાનો છે. કાર્યક્રમ પ્રત્યે સંશોધકોની આતુરતા સ્પષ્ટપણે દર્શાવે છે કે યુવા પ્રતિભા સંશોધન અને નવીનતા દ્વારા સામાજિક વિકાસમાં યોગદાન આપવા અને દેશમાં રીસર્ચને વધારવા માટે આતુરતાથી રાહ જોઈ રહી છે.
આ કાર્યક્રમમાં વિજ્ઞાન, ટેકનોલોજી, આરોગ્ય, નવી ઉભરતી તકનીકો અને સામાજિક મુદ્દાઓના વિવિધ પાસાઓ પર વ્યાપક તાલીમ આપવામાં આવશે. ઈન્ટીરેક્ટીવ સેશન્સ દ્વારા સહભાગીઓને સ્થાનિક સમસ્યાઓને ઓળખવા અને તેના નિરાકરણ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો કેવી રીતે લાભ લઈ શકાય તે અંગેની સમજ મેળવશે. તદુપરાંત, આ કેમ્પમાં બૌદ્ધિક સંપદા અને સફળ સ્ટાર્ટ-અપ્સ સાથે કઈ રીતે જોડાઈને આગળ વધવું તે અંગેની ચર્ચાઓને યોજાશે, જેનાથી પ્રભાવશાળી રીસર્ચને પ્રોત્સાહન મળશે.
STI R&D કેમ્પમાં ગુજરાત સરકારના DST ના અગ્ર સચિવ, NCSTC, SEED (DST, GOI)ના હેડ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ISRO ના ડાયરેક્ટર, ગુજરાત સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક મિશન અને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના મિશન ડિરેક્ટર, જેવી રાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ સહિત પ્રતિષ્ઠિત નિષ્ણાતો અને મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાશે.
આ ઉપરાંત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, IIT કાનપુર, IIT ગાંધીનગર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝમા રિસર્ચ, અમદાવાદ, CSIR-CSMCRI, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી,અમદાવાદ, TERI સ્કૂલ ઑફ એડવાન્સ રિસર્ચ, SAVLI, ભાવનગર યુનિવર્સિટી, iCreate જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના વરિષ્ઠ પ્રોફેસરો અને વડાઓની હાજરી આ કાર્યક્રમને વધુ સમૃદ્ધ બનાવશે. ઈન્ટરેક્ટીવ સેશન્સ ઉપરાંત, સહભાગીઓને SAC-ISRO અને PRL જેવી જાણીતી લેબોરેટરીની મુલાકાત લેવાની તક મળશે, જે તેમને અદ્યતન સંશોધન સુવિધાઓ સાથે હેન્ડસ ઑન એક્સપેરીયન્સ પ્રદાન કરશે.
વધુમાં, તેઓને ગુજરાત સાયન્સ સિટી ખાતે આવેલ IMAX 3D શો, એક્વાટિક/રોબોટિક ગેલેરીની મુલાકાત અને ત્યાં આવેલ ભારતના સૌથી મોટા લેસર વોટર એન્ડ સાઉન્ડ શો ને નિહાળવાનો અવસર પ્રદાન થશે. STI R&D કેમ્પ એ બધાં માટે પરિવર્તનકારી અનુભવ રહેશે, જે ગુજરાતમાં રીસર્ચ અને ઈનોવેશનના ભાવિને આકાર આપ્શે અને સાયન્સ, ટેક્નોલોજી અને ઈનોવેશન દ્વારા સંચાલિત” Viksit Bharat” ના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે.