અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ AMC ટેકનિકલ સુપરવાઇઝર ભરતીકાંડ સામે આવતા વિપક્ષનો હલ્લાબોલ; મેયરે કહ્યું કમિશનરને કડક સૂચના આપી છે

4 જાન્યુઆરી 2025 અમદાવાદ: AMC ઈજનેર વિભાગ માટે ૯૩ ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીકાંડમાં હેડકલાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ભરતીકાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરાવી કસૂરવાર અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિરોધ પક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો કાર્યકર્તાઓ ડુબલીકેટ નોટોના બંડલો હવામાં ઉછાળી વિરોધ નોધાવ્યો હતો.

ભરતીકાંડ સામે આવતા વિપક્ષનો હલ્લાબોલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ ટેકનીકલ સુપરવાઇઝરની ભરતીમાં માર્ક ઉમેરી નોકરી આપવાનું કૌભાંડ સામે આવતા વિરોધ પક્ષના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. અને એએમસી હાય, હાયનાં નારા લગાવી ડુબલીકેટ નોટોના બંડલ હવામા ઉછાળી કોર્પોરેશનમાં થતા ભ્રષ્ટાચારનો વિરોધ નોંધાવ્યો હતો. અને મેયર પ્રતિભા જૈનને લેખિતમાં રજૂઆત કરી ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરવા માટેની વિનંતી કરવામાં આવી હતી.

ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ઉપર પોલીસ કેસ કરો: વિપક્ષ
વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોર્પોરેશનની એક પણ પરીક્ષા એવી નથી ગઈ કે જ્યાં ભ્રષ્ટાચાર ન થયું હોય, કોર્પોરેશનનાં ઉચ્ચ અધિકારીઓ લાંચ લઈને પાસ કરીને નોકરી આપવામાં આવે છે. કોર્પોરેશનની પરીક્ષાઓમાં જે લોકો નાપાસ થાય છે. તે લોકો અધિકારીઓની સામે જઈને બેસી જાય છે. ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષા જે લેવાઈ હતી. તેમાં કેટલા એવા વિદ્યાર્થીઓ હતા કે જેમની પાસેથી પૈસા લઈને માર્ક્સ વધારી આપવામાં આવ્યા જેના કારણે આજે વિરોધ ઉગ્ર નોંધાવવામાં આવ્યો છે. આ પરીક્ષામાં કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર ન થાય તેની સંપૂર્ણ જવાબદારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહની હતી. આ તમામ મામલે પારદર્શિતા રાખવાની હતી. જેમાં ચૂક થઈ છે એટલા માટે આર્જવ શાહની ઉપર તપાસ થાય અને તેમના ઉપર પોલીસ કેસ કરવામાં આવે અને દોષિત સાબિત થાય તો સસ્પેન્ડ પણ કરવામાં આવે પરંતુ કોર્પોરેશન દ્વારા પોતાની જ તપાસની ટીમ બનાવીને આ ભરતી કાંડને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ભરતી પ્રક્રિયાના દોષિતોની તપાસ થશે: મેયર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભા જૈન આ અંગે જણાવતા કહ્યું હતું કે આજે ભરતી પ્રક્રિયાનો મામલો સામે આવ્યો છે. એ કોર્પોરેશનના શાસક પક્ષ દ્વારા જ બહાર લાવવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે આ ભરતી કૌભાંડમાં જે પણ અધિકારીઓ કર્મચારીઓની સંડોવણી સામે આવી હોય, તેમના ઉપર કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. અને આવી કોઈપણ પ્રકારની ગેરરીતી ચલાવવામાં નહીં આવે તેવું સ્પષ્ટપણે સૂચન કરવામાં આવ્યું છે.

Back to top button