અમદાવાદ: વિદેશ જવાની લાલચમાં વધુ એક પરિવાર ફસાયો
- જાપાનમાં વર્ક પરમિટ વિઝા 25 લાખ રૂપિયામાં આવી જશે તેમ કહ્યું
- તારા લાયક જાપાનમાં મહિને 2.5 લાખ રૂપિયાની નોકરી મળી શકે છે
- રૂ.10 લાખ આપો નહીં તો અમે તમને છોડીશુ નહીં કહી અત્યાચાર ગુજાર્યો
અમદાવાદમાં વિદેશ જવાની લાલચમાં વધુ એક પરિવાર ફસાયો છે. જેમાં જાપાન વર્ક પરમિટની લાલચમાં શહેરના પરિવારને ઈન્ડોનેશિયામાં બંધક બનાવી ખંડણીની માંગ હતી. તાજેતરમાં USની લાલચે કૃષ્ણનગરના દંપતીને ઈરાનમાં બંધક બનાવ્યા બાદ આ નવી ઘટના સામે આવી છે. અગાઉ વર્ક પરમીટના 25 લાખ આપ્યા પછી જાકાર્તામાં ગોંધી 10 લાખ માગ્યા હતા. જેમાં માનવતસ્કરોની ચૂંગાલમાંથી છટકી ભારતીય દૂતાવાસની મદદથી દંપતી અમદાવાદ પરત આવ્યું હતુ.
આ પણ વાંચો: ગુજરાત: આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલી GST કૌભાંડ કરનારા પર તવાઇ
જાણો શું હતો મામલો:
અમદાવાદના કૃષ્ણનગરમાં દંપતિ ગેરકાયદે અમેરિકા જવાની લ્હાયમાં પાકિસ્તાની એજન્ટોએ તેમનુ ઇરાનમાં અપહરણ કરીને બ્લેડથી ચેકા મારીને ટોર્ચર કરીને પૈસાની માંગણી કરી હોવાની ઘટનાને હજુ એક અઠવાડીયુ થઇ છે ત્યાં ફરીથી એક વખત શાહીબાગનો એક પરિવાર વર્ક વિઝા પર જાપાન જવા માટે ચાંદખેડાના એજન્ટને 25 લાખ રૂપિયા આપ્યા બાદ એજન્ટે થાઇલેન્ડ વાયા ઇન્ડોનેશીયા લઇ જઇને ત્યાં માનવ તસ્કરી ગેંગને સોંપી દઇને ફરાર થઇ ગયો હતો. બાદમાં ગેંગ દ્વારા ચારેયને બંધક બનાવીને પૈસાની માંગણીઓ કરવામાં આવી હતી. જો કે, પરિવાર અપહરણકર્તાઓ પાસેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઇન્ડોનેશીયા અને ભારતીય એમ્બેસી મારફતે પરિવાર અમદાવાદ પરત આવ્યો પરંતુ ગુજરાત પોલીસે પીડિતોની ફરિયાદ ન લઇને કબૂતરબાજી કરતા એજન્ટોને બચાવી રહ્યા હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો: અમદાવાદ: હોસ્પિટલમાં મેલેરિયાના કેસ વધ્યા, વાઈરલ ઈન્ફેક્શનના કેસનો આંકડો જાણી રહેશો દંગ
ચાંદખેડાનો રાજેન્દ્ર ચાવડા નામનો વ્યકિત સંપર્કમાં આવ્યો હતો
શાહીબાગમાં રહેતા નેપાળસિંઘ તેના ભાઇ સાથે ઓટોમોબાઇલ સ્પેરપાર્ટસનો બિઝનેસ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડાસમય પહેલા નેપાળસિંઘના સંપર્કમાં ચાંદખેડાનો રાજેન્દ્ર ચાવડા નામનો વ્યકિત સંપર્કમાં આવ્યો હતો. રાજેન્દ્રએ નેપાળસિંઘને જાપાનમાં નોકરી કરો તો સારા એવા રૂપિયા મળે તેવી લોભામણી લાલચો આપી હતી. જેથી નેપાળસિંઘે રાજેન્દ્રને કહ્યુ કે, મે ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે તો મારા લાયક જાપાનમાં નોકરી મળે. આથી રાજેન્દ્રએ નેપાળસિંઘને કહ્યુ કે, તારા લાયક જાપાનમાં મહિને 2.5 લાખ રૂપિયાની નોકરી મળી શકે છે તેમ કહીને અનેક લાલચો આપી હતી.
જાપાનમાં વર્ક પરમિટ વિઝા અંગે વાત કરતા 25 લાખ રૂપિયામાં વિઝા આવી જશે તેમ કહ્યું
થોડાદિવસ બાદ નેપાળસિંઘે રાજેન્દ્રનો સંપર્ક કરીને જાપાનમાં વર્ક પરમિટ વિઝા અંગે વાત કરતા 25 લાખ રૂપિયામાં વિઝા આવી જશે તેમ રાજેન્દ્રએ કહ્યુ હતુ. બાદમાં રાજેન્દ્રએ કહ્યુ કે, સીધા જાપાન જઇ શકાશે નહીં આપણે પહેલા થાઇલેન્ડ વાયા ઇન્ડોનેશીયા થઇને જાપાન જઇ શકીશુ. જેથી નેપાળસિંઘે તેની પત્ની અચરાજકુંવર, દિકરો દેવરાજ અને સંબંધ પ્રેમસિંઘ એમ ચારેય વ્યકિતના 25 લાખ રૂપિયા રાજેન્દ્રને વિઝા માટે આપ્યા હતા. બાદમાં રાજેન્દ્ર આ ચારેય સાથે થાઇલેન્ડ ગયો હતો જ્યાં બેથી ત્રણ દિવસ સુધી રોકાયા બાદ તમામ ઇન્ડોનેશીયા ગયા હતા. જ્યાં જાકાર્તમાં રાજેન્દ્ર ચાવડા માનવ તસ્કરી ગેંગને નેપાળસિંઘ અને તેના પરિવારને સોંપીને જતો રહ્યો હતો. બાદમાં માનવ તસ્કરી ગેંગે એક રૂમમાં બંધક બનાવી તમારે છૂટવુ હોય તો હજુ 10 લાખ રૂપિયા આપો નહીં તો અમે તમને છોડીશુ નહીં તેમ કહીને પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો.