અમદાવાદઃ NSUI એ કહ્યું, ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ દલિત વિરોધી; બાબાસાહેબ આંબેડકર ગેટનું દૂધથી અભિષેક


14 એપ્રિલ અમદાવાદ: અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીનાં ડો. બાબા સાહેબ આંબેડકર ગેટને ગુજરાત NSUI તેમજ યુથ કોંગ્રેસ દ્વારા દૂધથી અભિષેક કરી બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. તેમજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આંબેડકર જન્મ જયંતી નિમિત્તે કોઈ પણ પ્રકારનો પુષ્પાંજલિ કાર્યક્રમ ન હોતો રાખવામાં આવ્યો જેને લઇને ગુજરાત NSUI એ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા.
NSUI એ દર્શાવ્યો અનોખો વિરોધ
14 એપ્રિલ એટલે સંવિધાનનાં ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર જયંતિ દિવસ જેને સમગ્ર દેશમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટી ખાતે આંબેડકર જયંતિ નિમિત્તે યુનિવર્સિટી દ્વારા કોઈપણ પુષ્પાંજલિ કાર્યક્રમ ન રખાતા યુનિવર્સિટીના ડો. બાબા સાહેબ આંબેડકર ગેટને દૂધથી અભિષેક કરી NSUI એ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. તેમજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા ઉપર દલિત વિરોધી અને સંવિધાન વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ઇતિહાસમાં પ્રથમવાર આવું બન્યું
NSUI નાં નેશનલ સેક્રેટરી સંજય સોલંકી આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતુ કે ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કોઈ પણ કાર્યક્રમ ન કરીને પોતે સંવિધાન વિરોધી અને RSS ના એજન્ડા ઉપર કામ કરી રહયા હોય તેવુ પુરવાર થાય છે. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં આટલા વર્ષોમાં પ્રથમ વખત આવું બન્યુ હશે કે જ્યારે 14 મી એપ્રિલના રોજ યુનિવર્સિટીમા કોઇ વ્યવસ્થા ના કરવામાં આવી હોઇ જેનાં કારણે NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ ડો બાબાસાહેબ આંબેડકર પ્રવેશદ્વારને દૂધથી ધોઇને ફૂલ હાર કરવામાં આવ્યા હતો.