અમદાવાદઃ વોલીબોલ ચેમ્પિયનશિપ 2025 માટે વરિષ્ઠ રાષ્ટ્રીય કંટ્રોલ કમિટીના અધ્યક્ષ પદે NG પટેલની નિમણુંક
અમદાવાદ, 31 ડિસેમ્બર 2024 : કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ઓર્ગેનાઈઝેશન કમિટી ઓફ સીનીયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપ મેન/વુમન 2025નાં નેજા હેઠળ 25મી રાષ્ટ્રીય યુવા વોલીબોલ મેન/વુમન ચેમ્પિયનશિપ 2025 યોજાવા જઈ રહી છે. જે માટે અલગ અલગ કમિટીઓની રચના કરવામાં આવી છે. કંટ્રોલ કમિટી, ટેકનિકલ કમિટી, રેફરિંગ કમિટીઓની રચના કરવામાં આવી છે. ત્યારે ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય કે ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે અમદાવાદના ખ્યાતનામ બિલ્ડર નગીનભાઈ પટેલને રાષ્ટ્રીય કંટ્રોલ કમિટીના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. એન જી પટેલ અગાઉ ઘણાં સમય સુધી કર્ણાવતી તથા રાજપથ ક્લબમાં પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. અને હાલ નવી કર્ણાવતી ક્લબના ચેરમેન તરીકે તેમજ અમદાવાદની સૌથી જૂની ઓરિએન્ટ ક્લબમાં પણ પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તો ચાલો હવે ગુજરાત વોલીબોલ ટીમનાં ઇતિહાસ અને એન જી પટેલની ભૂમિકા વિશે જાણીએ.
6 જાન્યુઆરીએ નિયંત્રણ કમિટીની બેઠક યોજાશે
રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશિપ 2025 માટે કંટ્રોલ કમિટીના સભ્યોની મીટીંગ 6 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રીય કંટ્રોલ કમિટીના અધ્યક્ષ નગીનભાઈ પટેલની અધ્યક્ષતામાં મળશે જેમાં ગુજરાત વોલીબોલ ટીમનાં સિલેક્શન, પ્રદર્શન તથા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની વ્યવસ્થા અંગે ચર્ચા કરાશે. આ આયોજનમાં પેટા સમિતિઓની રચના કરવામાં આવી છે. જે નિયંત્રણ સમિતિઓની હેઠળ કામ કરશે અને દૈનિક કામકાજ અને પ્રગતિ વિશે નિયંત્રણ સમિતિને અહેવાલ આપશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
મહિલા વોલીબોલની ટીમે સર્જ્યો હતો ઇતિહાસ
અગાઉ ઓર્ગેનાઈઝેશન કમિટી ઓફ સીનીયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપનાં નેજા હેઠળ 24મી રાષ્ટ્રીય યુવા વોલીબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે ચેમ્પિયનશીપ જીતીને ઈતિહાસ સર્જતા ચારે તરફથી અભિનંદનની વર્ષા થઈ હતી. ગૌરવ પૂર્ણ જીતને આવકારતા ઓર્ગેનાઈઝેશન કમિટી ઓફ સીનીયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપ તેમજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને વોલીબોલ એસોસિએશનના પ્રમુખ NG પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.
મેડલ જીતવાની પરંપરા આપણી આદત બની: NG પટેલ
અત્યાર સુધીમાં વોલીબોલીમાં નેશનલ લેવલે ગુજરાતની ટીમે કુલ 22 મેડલ પ્રાપ્ત કર્યા છે. જે કદાચ ગુજરાતની કોઈપણ ટીમ ગેમ કરતા ઘણી મોટી સિદ્ધિ છે. જેનો ગર્વ દરેક ગુજરાતીને હોવો જોઈએ. આ અંગે એન જી પટેલે જણાવ્યું હતું કે આપણે આપણે કોચિંગ તેમજ કોચીસ બનાવવામાં ઘણા અગ્રેસર રહ્યા છીએ. આપણે વોલીબોલ રેફરીઓ માટે પણ તાલીમ આપી તેની પરિક્ષા લઈ જિલ્લાકક્ષાના, રાજ્યકક્ષાના,રાષ્ટ્રીયકક્ષાના તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના રેફરી તૈયાર કર્યાં હતા. તેમણે ઉમેર્યું હતું કે આપણી મીનીની ટીમ 2010માં પ્રથમ મેડલ જીત્યો ત્યારથી આજ સુધી જાણે આપણી મેડલ મેળવવાની પરંપરા એ આપણી આદત બની ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આપણે કુલ સાત મેડલ મેળવ્યા છે.
દીકરીઓનો વોલીબોલ ક્ષેત્રે ડંકો, જાણો ઇતિહાસ
સૌરાષ્ટ્રનાં સરખડી ગામમાં માત્ર 4,200 જેટલી અંદાજીત વસતિમાંથી પાંચસો જેટલા વોલીબોલ ખેલાડીઓ છે તે આશ્ચર્યજનક છે. વાળાઓના ગામ તરીકે ઓળખાતા આ ગામમાં 1982થી જેવાઈબેન હાઈસ્કૂલના મેદાનમાં પાસિંગ વોલીબોલની શરૂઆત થઈ એ પહેલા શૂટિંગ વોલીબોલ રમાતું હતું. તે સમયે જ ગામમાંથી મહિલા ખેલાડીઓની એક ટીમ રાજ્ય કક્ષાએ પાસિંગ વોલીબોલ રમવા ગઈ ત્યારે ઘાઘરા, શર્ટ, બંગડી અને છડા અને પગમાં સ્લીપર પહેરેલા હતા. આવા ગામઠી વેશ સાથે વૉલિબૉલ રમવા અમદાવાદ આવી હતી. ત્યાંરે પણ એ ચેમ્પિયન બની…!!! જોકે આયોજકોએ કોચને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘જ્યારે તમે રાજ્યકક્ષાએ રમવા આવો ત્યારે ગણવેશ જરૂરી છે.’ ત્યારથી સૌએ મનમાં ઠાંસી લીધું હતું કે હવે આ ક્ષેત્રે આગળ વધી નામનાં મેળવાની છે અને સમય જતાંની સાથે ગ્રામજનોનું એ સ્વપ્ન સાકાર થયું. સરખડી ગામની દિકરીઓએ વોલીબોલ ચેમ્પિયનશીપ જીતીને ન માત્ર ગામ પરંતુ સમગ્ર રાજ્યને ગૌરવ અપાવ્યું હતું.
આ પણ વાંચો : કરિયર ફ્લોપ રહ્યું, તો ફિટનેસ ગુરૂ બની ગયો આ અભિનેતા