અમદાવાદઃ પાર્સલમાંથી એવું તો શું નીકળ્યું કે સંરક્ષણ એજન્સીઓ સાવધ થઈ ગઈ?
અમદાવાદ, તા. 19 નવેમ્બર, 2024: દાણચોરી પર અંકુશ લગાવવા માટે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ કસ્ટમ વિભાગના અધિકારીઓએ શાહીબાગ વિસ્તારમાં ગિરધર નગર ચાર રસ્તા પાસે આવેલી કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 50 જેટલા ખાલી કારતૂસનું પાર્સલ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. આ પાર્સલ કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવ્યું હતું. પોરબંદરની વ્યક્તિના નામે આવેલ પાર્સલની અંદર 50 જેટલા ખાલી કારતૂસ નીકળ્યા હતા.
કસ્ટમ વિભાગે આ પાર્સલ પોરબંદરમાં જે વ્યક્તિના નામે આવ્યું છે, તેની તપાસ કરી હતી પરંતુ પોરબંદરમાં આવી કોઈ વ્યક્તિ મળી આવી નથી. તેના કારણે કોઈ મોટા કાવતરાંની આશંકા સેવાઇ રહી છે. આ પહેલા પણ આ રીતે આ જ નામે કારતૂસનાં પાર્સલ આવ્યાં હતાં કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. કસ્ટમ્સ વિભાગને એ વાતનું પણ આશ્ચર્ય છે કે, આટલી મોટી માત્રામાં અમેરિકાથી અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસમાં કારતૂસ કેવી રીતે આવી ગયા?
કસ્ટમ વિભાગનું માનવું છે કે આ ખાલી કારતૂસમાં દારૂગોળો ભરીને તેનો ઉપયોગ કરવાનો હોઈ શકે છે. આ દિશામાં પણ કસ્ટમ વિભાગની તપાસ ચાલી રહી છે. કસ્ટમ્સ વિભાગે અમેરિકામાં તપાસ કરીને મોકલનાર કોણ છે તેની પણ તપાસ હાથ ધરી કરી છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓનું માનવું છે કે કોઈ મોટા ગુનાને અંજામ આપવા આ ખાલી કારતૂસ મંગાવવામાં આવ્યા હોઈ શકે છે.
કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં અત્યાર સુધી ક્યારેય પણ ખાલી કારતૂસ આવ્યા નથી તેથી આ મામલો ગંભીર લાગી રહ્યો છે.
આ પણ વાંચોઃ દુલ્હાએ લગ્નના દિવસે જ સ્ટેજ પરથી દુલ્હનનો અશ્લીલ વીડિયો કર્યો જાહેર, જીજા સાથે હતા આડાસંબંધ