અમદાવાદમાં ટ્રક ચાલકે દંપતીને ટક્કર મારી 100 ફૂટ ઢસડ્યું, બંનેના કરૂણ મૃત્યુ


અમદાવાદ, તા.2 જાન્યુઆરી, 2024: અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. આજે વહેલી સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મંદિરથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપત્તિની મોટર સાયકલને ટ્રક ચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેમના મૃત્યુ થયા હતા. ટ્રક ચાલકે ટક્કર મારીને મોટર સાયકલને 100 ફૂટ સુધી ઢસડી હતી. અકસ્માત સર્જાતા રસ્તા પરથી પસાર થતાં લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. રામોલ અને આઇ ડીવીઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતિને 100 ફૂટ જેટલા ઢસેડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર દંપતિ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ટ્રક ડ્રાઇવર ફોન પર વાત કરતો હોવાનો લોકોનો દાવો
મૃતકોની ઓળખ કાંતિભાઇ પટેલ અને દક્ષાબેન પટેલ તરીકે કરવામાં આવી છે. ટ્રક ડ્રાઇવરે જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે તે ફોન પર વાત કરી રહ્યો હોવાનું પણ હાજર લોકોએ જણાવ્યું હતું. અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકો દોડી આવતાં ભારે ભીડ જામી હતી. જેના લીધે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવર નાસી ગયો હતો.
અઠવાડિયામાં આ સ્થળે ત્રીજી વખત સર્જાયો અકસ્માત
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ અઠવાડિયામાં ત્રીજીવાર અકસ્માત સર્જાયો છે. અહીં સ્પીડબ્રેકર અને બમ્પ ન હોવાથી વારંવાર અકસ્માત સર્જાય છે.
આ પણ વાંચોઃ પ્રયાગરાજને કેમ કહેવાય છે તીર્થરાજ? જાણો શું છે કથા