અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગ

અમદાવાદમાં દુબઈની તર્જ પર યોજાશે શોપિંગ ફેસ્ટિવલ, આ તારીખથી થશે શરૂઆત

અમદાવાદ, તા.5 ઓક્ટોબરઃ અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર છે. વિદેશની જેવો જ શોપિંગ ફેસ્ટિવલ શહેરમાં પણ યોજાશે. આ ફેસ્ટિવલ 3 મહિના સુધી ચાલશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું, અમદાવાદના વેપારીઓ અને કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે 12 મી ઓક્ટોબરથી ઉતરાયણ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારના સહયોગથી શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ ,બુક ફેર, ફ્લાવર શો પણ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે પ્રારંભ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલના આયોજનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 12 ઓક્ટોબરથી 14 જાન્યુઆરી સુધી રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવશે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સિંધુભવન રોડ અને સીજી રોડ તેમજ પૂર્વ વિસ્તારમાં નિકોલ માર્કેટ અને કાંકરિયા ખાતે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. સિંધુભવન રોડ પરથી 12 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવવામાં આવશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 મળી શકે છે 15થી 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, શોપિંગ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદને ખરીદીના શોખીનો માટે એક મુખ્ય સ્થળ તરીકે સ્થાપિત કરવાનો, ગ્રાહકોને તથા વેપારીઓને જોડવાનો તથા ગ્રાહકોને સારી અને ટકાઉ વસ્તુઓ ઓછા ભાવે મળી રહે તેના માટે કરવામાં આવ્યો છે.

ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને અન્ય લોકો જોડાય તે રીતનો પ્રયાસ કરવામાં આવશે. લોકોને 15થી 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી શકે અને ખરીદીને પ્રોત્સાહન આપવા માટે શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત પરીખે જણાવ્યું હતું કે, દુનિયાની અલગ અલગ જગ્યાએ જેમ શોપિંગ ફેસ્ટિવલી યોજાય છે તેમ અમદાવાદમાં હવે પૂર્વ અને પશ્ચિમ એમ બંને જગ્યાએ શોપિંગ ફેસ્ટિવલ યોજાશે. જ્યાં સૌથી વધારે મોટું ખરીદીનું માર્કેટ છે એવા વિસ્તારમાં હવે સામેથી મ્યુનિસિપલ કોર્પોરેશન જઈ અને ત્યાં શોપિંગ ફેસ્ટિવલ કરી રહ્યું છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના બહોળા પ્રચાર-પ્રસાર અર્થે શહેરમાં વ્યૂહાત્મક જગ્યાઓ પર થીમ આધારિત બ્રાન્ડિંગ કરવામાં આવશે અને વિશેષ પ્રકારની લાઈટિંગથી શણગારવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સમયગાળા દરમિયાન આયોજિત થનાર ફૂડ ફેસ્ટિવલ, લાઈટ ફેસ્ટિવલ, બુકફેર, કાંકરિયા કાર્નિવલ તથા ફ્લાવર શૉની ઉજવણી પણ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના ભાગરૂપે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીએ રવિવારે અચાનક શા માટે કેબિનેટની બેઠક બોલાવી? તર્ક-વિતર્કોએ જોર પકડ્યું

Back to top button